વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોડી રાત્રે 1.56 વાગ્યે આ જાહેરાત કરી હતી. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. ભાજપના ગઠબંધન ભાગીદારોએ આ બિલને ખુલ્લેઆમ ટેકો આપ્યો. જોકે, વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો.
ભારતથી વધુ સુરક્ષિત જગ્યા દુનિયામાં બીજી કોઇ નથી- કિરણ રિજિજૂ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે લઘુમતીઓ માટે ભારતથી વધુ સુરક્ષિત જગ્યા દુનિયામાં કોઈ નથી અને તેઓ સુરક્ષિત છે કારણ કે બહુમતી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે. વકફ (સુધારા) બિલ-2024 પર લગભગ 12 કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે પારસી જેવા નાના લઘુમતી સમુદાયો પણ ભારતમાં સુરક્ષિત છે અને તમામ લઘુમતીઓ અહીં ગર્વથી રહે છે.
વિપક્ષે કર્યો વિરોધ
બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે વકફ સાથે કોઈ છેડછાડ કરી નથી. વકફ બોર્ડ અને વકફ કાઉન્સિલ માટે સુધારા કરવામાં આવ્યા છે. આ અંગે અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં વકફ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે તે કલમ 25 અને 26નું ઉલ્લંઘન છે. તેમણે વધુમાં કહ્યું કે વકફ બિલ મુસ્લિમો સાથે અન્યાય છે.
ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ ફાડી નાખ્યું. તેમણે કહ્યું - આ બિલનો હેતુ મુસ્લિમોને અપમાનિત કરવાનો છે. હું ગાંધીની જેમ વકફ બિલ ફાડી નાખું છું.
બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વકફમાં બિન-ઇસ્લામિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ પણ નથી. વોટ બેંક માટે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે.
બિલ પર ચર્ચા અને મતદાન પછી, ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ગૃહ દ્વારા ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો.
અમિત શાહ શું બોલ્યા ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'વક્ફ બિલ ચોરી માટે નથી પણ ગરીબો માટે છે.' એક સભ્ય કહી રહ્યો છે કે, લઘુમતીઓ સ્વીકારશે નહીં, તમે શું ધમકી આપી રહ્યા છો ભાઈ? આ સંસદનો કાયદો છે, તેને સ્વીકારવો પડશે.
તેમણે કહ્યું કે એક પણ બિન-ઈસ્લામિક વકફમાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ નથી. વોટ બેંક માટે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. વકફ એ અરબી શબ્દ છે. તેનો અર્થ અલ્લાહના નામે ધાર્મિક હેતુ માટે મિલકતનું દાન કરવું. દાન ફક્ત તે જ વસ્તુઓનું કરવામાં આવે છે જેના પર આપણો અધિકાર છે.
ભાજપે સાધ્યુ એક તીર 6 નિશાન
આ બિલ પસાર કરીને ભાજપે એક જ પગલામાં છ લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. વિપક્ષ લાંબા સમયથી ભાજપ અને ભાજપ સરકારના નિર્ણયો સામે ધર્મનિરપેક્ષતાના ચશ્મા પહેરીને પોતાને ધર્મનિરપેક્ષતાના રાજકીય ચેમ્પિયન તરીકે બતાવી રહ્યું છે, પરંતુ ભાજપે લોકસભામાં વક્ફ બિલ પર એવી બેટિંગ કરી છે, જેનાથી રાજકીય ક્ષેત્રે સ્પષ્ટ થઈ ગયું છે કે
- ધર્મનિરપેક્ષતાની જે વ્યાખ્યા વિપક્ષ ઇચ્છતો હતો તે કામ કરશે નહીં.
- મુસ્લિમો સાથે સંબંધિત દરેક નિર્ણયને મુસ્લિમ વિરોધી ગણાવવાની રાજનીતિ હવે ચાલતી નથી.
- મુસ્લિમોને ખતરા તરીકે દર્શાવીને દર વખતે મતોના રાજકીય રીતે ઉપયોગ કરી શકશે નહી
- વિરોધ પ્રદર્શનના બહાને મુસ્લિમોને લગતા મુદ્દાઓ પર નિર્ણયો બદલવાનો ઈરાદો હવે સફળ રહ્યો નથી.
- વિપક્ષે ભૂલી જવું જોઈએ કે નીતીશ અને નાયડુના ટેકા પર ચાલી રહેલી સરકાર નબળી છે.
- વિપક્ષે એ પણ સમજવું પડશે કે આ વખતે તેમની બેઠકો વધી હોવા છતાં, નિર્ણય લેવાની શક્તિ પીએમ મોદીના હાથમાંથી છીનવાઈ નથી.









