આખરે રાજ્યસભામાં ઘણા કલાકોની ચર્ચા પછી, વકફ સુધારા બિલ પસાર થયું. ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન NDA અને ઇન્ડિયા બ્લોકના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી. રાજ્યસભામાં બિલના વિરોધમાં 95 મત પડ્યા અને બિલના પક્ષમાં 128 મત પડ્યા. આ પહેલા બુધવારે લોકસભામાં વકફ બિલ પસાર થયું હતું.


[[$googlead]]

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ લેશે કાયદાનું સ્વરૂપ 

બંને ગૃહો દ્વારા બિલ પસાર થયા પછી, બિલ હવે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે. વિપક્ષ મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો હતો કે આ બિલ દ્વારા સરકાર વકફ સંપત્તિ જપ્ત કરવા માંગે છે. તે જ સમયે, ભાજપનો દાવો છે કે વિપક્ષ પોતાના રાજકીય ફાયદા માટે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

[[$alsoread]]

14 કલાકથી વધુ થઇ હતી ચર્ચા 

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં વકફ બિલને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું. બિલ પર 14 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. ચર્ચા પછી, વિપક્ષી સાંસદોના સુધારા પર વારાફરતી મતદાન થયું. બિલ પર મતદાન મોડી રાત્રે ઓટોમેટિક વોટ રેકોર્ડિંગ સિસ્ટમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ બિલ બહુમતીથી પસાર થયું. ચર્ચાનો જવાબ આપતા કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ કોઈપણ મુસ્લિમને કોઈ નુકસાન પહોંચાડતું નથી.

લોકસભામાં 232 વિરોધમાં મત પડ્યા

મહત્વનું છે કે સરકારે સૌપ્રથમ 8 ઓગસ્ટ 2024ના રોજ સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરીને સાથી પક્ષોને મનાવી લીધા હતા. આ પછી તેને JPCમાં મોકલવામાં આવ્યુ હતું.. સંસદીય સમિતિએ 29 જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના તેના અહેવાલને મંજૂરી આપી હતી. આ અહેવાલના પક્ષમાં 15 અને વિરુદ્ધ 14 મત પડ્યા હતા. આ પછી જ્યારે બિલ લોકસભામાં આવ્યું ત્યારે 520 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો. જેમાંથી 288 લોકોએ પક્ષમાં મતદાન કર્યું અને 232 લોકોએ વિરોધમાં મતદાન કર્યું.

બીજેડી એ છેલ્લી ઘડીએ યુ-ટર્ન માર્યો

ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD) એ વક્ફ (સુધારા) બિલ, 2024 પર છેલ્લી ઘડીએ પોતાનું વલણ બદલ્યું. બીજેડીએ અગાઉ આ બિલનો સખત વિરોધ કર્યો હતો. આ બિલને લઘુમતીઓના હિતોની વિરુદ્ધ ગણાવ્યું હતું પરંતુ બાદમાં સાંસદોને આ બિલ અંગે મતદાન કરવા માટે સ્વતંત્ર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી. બીજેડીએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી આ બિલ પર કોઈ વ્હીપ જાહેર નહી કરે અને રાજ્યસભામાં તેના સાંસદો તેમના અંતરાત્માના અવાજને સાંભળીને તેમની ઇચ્છા મુજબ મતદાન કરી શકશે,

રાજ્યસભામાં વધારાના સાંસદોનો ટેકો મળ્યો

રાજ્યસભામાં હાલમાં 236 સાંસદો છે, જેના કારણે બહુમતી માટે 119 સાંસદોના સમર્થનની જરૂર હતી. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદો છે. ગઠબંધનની દ્રષ્ટિએ NDA સભ્યોની સંખ્યા લગભગ 118 હતી. જો આપણે સામાન્ય રીતે સરકારની તરફેણમાં મતદાન કરતા છ નામાંકિત સભ્યો ઉમેરીએ તો NDA સંખ્યાના રમતમાં 124 પર પહોંચી ગઇ હોત. કોંગ્રેસ (27) સહિત, ઇન્ડિયા બ્લોક પાર્ટીઓના રાજ્યસભામાં 88 સભ્યો હતા.

ભાજપની રણનીતિને કારણે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા જ્યારે 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. નોંધનીય છે કે મતદાન દરમિયાન ભાજપના ત્રણ સાંસદો ગેરહાજર રહ્યા હતા.


  • Follow us on: