વકફ સુધારા બિલ પર JPC બેઠકમાં હોબાળો થયો હતો. સ્થિતિ વણસે નહી તે માટે માર્શલ્સને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે JPC સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જેપીસીમાં વિપક્ષી પક્ષોના સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો. અધ્યક્ષ જગદંબિકા પાલે તે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.


કોને કોને કરાયા સસ્પેન્ડ

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અસદુદ્દીન ઓવૈસી, ઇમરાન મસૂદ, કલ્યાણ બેનર્જી, અરવિંદ સાવંત, નાસિર હુસૈન, એ રાજા, મોહિબુલ્લાહ નદવી, એમએમ અબ્દુલ્લા, નદીમુલ હક, મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. આવુ પહેલી વાર નથી જ્યારે JPC બેઠકમાં હોબાળો થયો હોય. આ બેઠકમાં પહેલા પણ વિવાદો થયા છે. હોબાળા અંગે અરવિંદ સાવંતે કહ્યું કે સમય આપવામાં આવ્યો નથી, તેઓ ઉતાવળ કરી રહ્યા છે. આ માટે 10 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

JPC બેઠકમાં શા માટે હંગામો થયો?

વક્ફ પર JPCમાં વિરોધ પક્ષોના સભ્યો દ્વારા થયેલા હોબાળા પાછળનું મુખ્ય કારણ સમિતિના સભ્યોની માંગ હતી કે રિપોર્ટને અપનાવવાની તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવે. અગાઉ કલમ-દર-કલમ સુધારાઓની ચર્ચા માટે 24 અને 25 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે મોડી રાત્રે તારીખ બદલીને 27 જાન્યુઆરી કરવામાં આવી. વિપક્ષી સાંસદોએ માંગ કરી હતી કે કલમ-દર-કલમ બેઠક 27 જાન્યુઆરીને બદલે 31 જાન્યુઆરીએ યોજવામાં આવે.


મહત્વનું છે કે અગાઉના સમયપત્રક મુજબ કલમ દ્વારા કલમ સુધારા અપનાવવાની પ્રક્રિયા આજે 24 જાન્યુઆરીએ થવાની હતી, પરંતુ આજે મીરવાઇઝ ફારૂકના નેતૃત્વમાં કાશ્મીરના મુસ્લિમ વિદ્વાનોને સમિતિ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ નિર્ણય ગઈકાલે રાત્રે લેવામાં આવ્યો હતો.

સમિતિ 500 પાનાનો અહેવાલ રજૂ કરી શકે

સમિતિના 21 લોકસભા અને 10 રાજ્યસભા સભ્યોમાંથી 13 વિપક્ષી પક્ષોના છે. નીચલા ગૃહમાં નવ અને ઉપલા ગૃહમાં ચાર સભ્યો છે. એવું માનવામાં આવે છે કે સમિતિ આગામી બજેટ સત્રમાં તેનો 500 પાનાનો અહેવાલ રજૂ કરી શકે છે. વક્ફ સમિતિએ દિલ્હીમાં 34 બેઠકો યોજી છે અને ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે જ્યાં 24 થી વધુ હિતધારકોને બોલાવવામાં આવ્યા હતા.


  • Follow us on: