- વાયનાડ દુર્ઘટના પછી કેન્દ્ર સરકારનો નિર્ણય
- પશ્ચિમ ઘાટના વિસ્તારને સંવેદનશીલ જાહેર કરવા માટે ડ્રાફ્ટ તૈયાર
- કોમર્શિયલ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવશે
વાયનાડ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે પશ્ચિમ ઘાટના 57 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ જાહેર કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. લગભગ 36% પશ્ચિમ ઘાટ તેમાં સામેલ છે. વાયનાડના 13 ગામો અને કેરળ રાજ્યનો લગભગ 10 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પણ આ વિસ્તારમાં સામેલ છે.
ઈકોલોજિકલ સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કરવા નોટિફિકેશન તૈયાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયનાડ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના અંદાજે 57 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને 'ઈકોલોજિકલ સેન્સિટિવ એરિયા' તરીકે જાહેર કરવા માટે નોટિફિકેશન તૈયાર કર્યું છે. જેમાં વાયનાડ અને કેરળ રાજ્યના વિસ્તારોના મોટી સંખ્યામાં ગામડાઓને સંવેદનશીલ વિસ્તાર તરીકે સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યો
ઈકો સેન્સિટિવ ઝોન એક એવો વિસ્તાર છે જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની આસપાસના વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. આવો વિસ્તાર સંરક્ષિત છે અને અહીં કોઈ બાંધકામની મંજૂરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે 31 જુલાઈના રોજ કેરળ અને વાયનાડ માટે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. માહિતી અનુસાર, આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં સામાન્ય લોકોને આ મામલે કેન્દ્રને પોતાનો અભિપ્રાય આપવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
સંવેદનશીલ વિસ્તારોમાં કોમર્શિયલ એક્ટિવિટી પર પ્રતિબંધ
જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં 6 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગોવા અને ગુજરાતના 56826 ચોરસ કિલોમીટરના વિસ્તારને 'ઈકોલોજીકલ સેન્સિટિવ એરિયા' તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ છે. આ નોટિફિકેશનના અમલ બાદ આ સંવેદનશીલ વિસ્તારોમાં કોમર્શિયલ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.