• કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સર્જાયેલી દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે
  • આ ઘટનામાં 145થી વધુ લોકોના મોત થયા છે
  • પાંચ સૌથી વિનાશક ભૂસ્ખલન વિશે જાણો

કેરળમાં કુદરતે તબાહી મચાવી છે. કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે સવારે ત્રણ કલાકમાં થયેલા ચાર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 145થી વધુ લોકોના મોત થયા છે. તેમજ 200 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. મૃત્યુઆંક દરેક ક્ષણે બદલાઈ રહ્યો છે. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા.

મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. ભૂસ્ખલન બાદ સર્વત્ર તબાહીના દ્રશ્યો જ દેખાતા હતા. નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તાઓ અને પુલ અને સેંકડો મકાનોનો વેરવિખેર કાટમાળ જોવા મળી રહ્યો છે. ભારતના ઈતિહાસમાં 5 સૌથી વિનાશકારી લેન્ડસ્લાઈડ વિશે જાણો.

કેદારનાથ લેન્ડસ્લાઈડ (2013) 

કેદારનાથમાં આ આપત્તિ 16 જૂન, 2013માં થઈ હતી. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી આ વિનાશકારી આફતે ઘણા શહેરો અને ગામોને તબાહ કરી દીધા હતા. પૂર બાદ થયેલા લેન્ડસ્લાઈડથી 5700થી વધુ લોકોના મોત થયા હતા અને 4200થી વધુ ગામ પ્રભાવિત થયા હતા.

દાર્જિલિંગ લેન્ડસ્લાઈડ (1968)

પશ્વિમ બંગાળના સુંદર શહેર દાર્જિલિંગમાં 4 ઓક્ટોબર 1968માં લેન્ડસ્લાઈડના કારણે વિનાશકારી પૂર આવ્યું હતું અને તેના લીધે 60 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ ઘણાં ભાગોમાં તૂટી ગયો. આ આફતમાં હજારથી વધુ લોકોના મોત થયા હતા અને શહેરોને પણ ઘણું નુકસાન થયું હતુ.

ગુવાહાટી લેન્ડસ્લાઈડ (1948)

અસમના ગુવાહાટીમાં 18 સપ્ટેમ્બર 1948એ ભારે વરસાદને કારણે થયેલા લેન્ડસ્લાઈડને કારણે ખૂબ નુકસાન થયું હતું. આ આફતને કારણે ગામ આખું દટાઈ ગયું હતું અને આ આફતમાં 500થી વધુ લોકો દટાઈ ગયા હતા

માલપા લેન્ડસ્લાઈડ (1998)

ઉત્તરાખંડના (અત્યારે યુપી) પિથૌરાગઢ જિલ્લામાં સ્થિત મલપા ગામમાં 1998માં સતત 7 દિવસ સુધી લેન્ડસ્લાઈડ થયું હતું, જેમાં 380થી વધુ લોકોના મોત થયા હતા. આ આફતથી આખું ગામ દટાઈ ગયું હતું.

માલિન, મહારાષ્ટ્ર લેન્ડસ્લાઈડ (2014)

વર્ષ 2014માં મહારાષ્ટ્રના માલિન ગામમાં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઈડ થયું હતું, જેમાં 151થી વધુ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગુમ થયા હતા.

  • Follow us on: