- પશ્ચિમ બંગાળમાં રેલવે દુર્ઘટના
- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઇજાગ્રસ્તોને મળ્યા
- રેલવે અકસ્માત સ્થળ પર બાઇક પર બેસીને પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં રેલવે દુર્ઘટનાને લઇને ચકચાર મચી છે. કંચનજંગા એક્સપ્રેસને ગુડ્સ ટ્રેને ટક્કર મારતા 9 લોકોના મોત થયા છે. આ મામલે પીએમ મોદી, મમતા બેનર્જી અમિત શાહ સહિત દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યુછે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી ઘટનાની ગંભીરતાને પગલે પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના સ્થળ પર બાઇક બેસીને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
શું બોલ્યા અશ્વિની વૈષ્ણવ ?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે તેમણે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલ લોકોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું કે ડોક્ટર, રેલવે સ્ટાફ, NDRF અને ગામના લોકો પણ બચાવ કાર્ય કર્યું છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દરેક બાબતની તપાસ કરવામાં આવી રહી છે. વૈષ્ણવે કહ્યું કે સમગ્ર ધ્યાન ઘાયલોની રિકવરી અને વળતર પર છે. મહત્વનું છે કે અશ્વિની સોમવારે સાંજે બાગડોગરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી તે બાઇક દ્વારા કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતા.
વળતરમાં કર્યો વધારો
પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા જેને નાની-મોટી ઈજાઓ છે તેમના માટે માટે 50,000 રૂપિયા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઇજાગ્રસ્તોને મળ્યા રેલવે મંત્રી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સિલિગુડીમાં નોર્થ બંગાળ મેડિકલ કોલેજની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા.
9 લોકો ગંભીર રીતે ઘાયલ
બંગાળ રેલવે અકસ્માતમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. જેમાં 7 મુસાફરો અને 2 રેલવે કર્મચારીઓનો સમાવેશ થાય છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના દરમિયાન લગભગ 32 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.









