- મુંબઈથી કોકેઈન કનેક્શન દિલ્હી પહોંચ્યું
- 7 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું
- 4 વિદેશી અને 2 મહિલાઓની ધરપકડ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં લગભગ 50 કરોડ રૂપિયાની કિંમતનો 7 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં ચાર વિદેશી અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી-ડ્રગ એજન્સીએ દિલ્હીના તિલક નગરમાં વિદેશીઓ દ્વારા ચલાવવામાં આવતી ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો અને એક મહિલા પાસેથી ટ્રોલી બેગમાં છુપાવેલ 5 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે આ બેગ મહિલાને બે ઇથોપિયનોએ આપી હતી, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.
ઓપરેશન કોકેઈન કાર્ટેલનો પર્દાફાશ
NCBના DDG જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે, અમારો પ્રયાસ મોટા નેટવર્ક અને માફિયાઓને પકડવાનો છે. અધિકારીએ કહ્યું કે તાજેતરમાં એક મોટા ઓપરેશનમાં કોકેઈન કાર્ટેલનો પર્દાફાશ કરાયો છે. દિલ્હીમાં 5 કિલો કોકેઈન જપ્ત કરાયું હતું, જેની કડી મુંબઈની એક હોટલમાંથી મળી આવી હતી. અહીં બે ઇથોપિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ વધુ બે ઈથોપિયન અને એક ભારતીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
ગરીબ દેશોના નાગરિકોનો ઉપયોગ
ટ્રોલીમાં રાખીને દાણચોરી કરતા હતા. આ લોકો વિદેશથી સામાન લાવીને અહીં ભારતમાં વહેંચતા હતા. આ માટે ગરીબ દેશોના નાગરિકોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એલએસડી જેવા ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેઓ ઓનલાઈન કુરિયર દ્વારા ડિલિવરી કરતા હતા.
કુરિયર બેઝ ડિલિવરી વધી
તેમણે કહ્યું કે કોરોના પછી એવું જોવા મળ્યું છે કે કુરિયર બેઝ ડિલિવરી વધી છે. આ માટે અમે કુરિયર કંપનીઓ સાથે વાત કરી રહ્યા છીએ. એનસીબીને ડેટા બેઝ અને ટેકનોલોજી આધારિત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. NCB NDPS ગુનેગારોનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેને નિદાન નામ અપાયું છે. તેમાં જેલમાં બંધ તમામ NDPS ગુનેગારોની સંપૂર્ણ માહિતી હશે, જેથી જો કોઈ પકડાય તો તરત જ તેની સંપૂર્ણ જાણકારી સામે આવી જાય.
ડ્રગની દાણચોરી માટે ભારતીય જળ સીમાનો ઉપયોગ
અધિકારીએ કહ્યું કે ભારતીય જળ સીમાનો ઉપયોગ ડ્રગની દાણચોરી માટે કરવામાં આવે છે. અફઘાનિસ્તાન અને મ્યાનમારમાંથી જે પણ માદક દ્રવ્યો બહાર આવે છે, તે જમીન દ્વારા ઓછા અને દરિયા દ્વારા વધુ મળે છે. ભારત આવનારી 70 ટકા હેરોઈન દરિયાઈ માર્ગે આવી રહી છે. આ માટે અમે નેવી અને કોસ્ટ ગાર્ડના સંપર્કમાં છીએ.









