- ભારતના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
- કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓ
- હવામાન વિભાગે 6થી 8 ઓગસ્ટ વચ્ચે દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
હાલ સમગ્ર દેશમાં ચોમાસાથી વરસાદે સ્થિતિ બેકાબૂ કરી છે. જ્યાં જુઓ ત્યાં તબાહી છે. રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓ સતત ડરાવી રહી છે. હવામાન વિભાગે 6 ઓગસ્ટે આ રાજ્ય જેવાકે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી આપી છે.
દિલ્હીમા કેવુ છે હવામાન
દેશની રાજધાની દિલ્હીમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે 6થી 8 ઓગસ્ટ વચ્ચે દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર, આ આખુ અઠવાડિયુ દિલ્હીનું મહત્તમ તાપમાન 31થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે તેવી શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.
દેશની હવામાન સ્થિતિ
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ મુજબ આજે આ રાજ્ય માં ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ અને ગોવા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમરોળશે જ્યારે, પૂર્વ રાજસ્થાન, તટીય કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, સિક્કિમ અને આસામ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે.
તો દેશના આ વિભાગ જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આંતરિક તમિલનાડુ અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ શક્ય છે.
ચોમાસાની સ્થિતિ
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ડીપ ડિપ્રેશન હવે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે.