• ગરમીને કારણે જનતા ત્રાહિમામ
  • પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર
  • 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન
વિવિધ રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીનો પારો 45 પર પહોંચ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી તો હજી પણ ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં રેડ એલર્ટ
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ મેદાનોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારે ગરમી અને તીવ્ર ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પાંચ રાજ્યોમાં સોમવારે સરેરાશ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું.

5 દિવસ સુધી હિટવેવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીના કારણે દિવસ સવારથી આગ ઝરતી ગરમીનો અનુભવ થશે. મધ્યપ્રદેશ, ઓડિશા અને ગુજરાતમાં પણ પાંચ દિવસ સુધી હીટ વેવની શક્યતા છે. તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધશે. મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. જોકે સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ હીટ વેવ એલર્ટને ધ્યાનમાં રાખીને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

બંગાળની ખાડીમાં સર્જાઇશકે લૉ પ્રેશર 
22મી મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે. આ ડિપ્રેશન શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને પછી 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં નબળું પડવાની શક્યતા છે. મહત્વનું છે કે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં સોમવારે દિવસભર વરસાદ પડ્યો હતો.

કેરળમાં ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં 23 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. સોમવારથી કેરળમાં પણ વરસાદ શરૂ થયો હતો. અહીં બે દિવસ સુધી ભારે વરસાદની અપેક્ષા છે, જેના કારણે ભૂસ્ખલન અને રોગચાળાના ભય વચ્ચે ઈમરજન્સી સેન્ટરો અને હોસ્પિટલોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

  • Follow us on: