- અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- દિલ્હી-NCRમાં જોવા મળ્યો ભારે વરસાદ
- ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ
હવામાન વિભાગ દ્વારા દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી-NCRમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગાઢ કાળા વાદળોએ આખા શહેરને ઢાંકી દીધા હતા. સાથે જ ભારે વરસાદના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા.
ગાજવીજ સાથે દિલ્હીમાં ધોધમાર વરસાદ
પવન અને ગાજવીજ સાથે દિલ્હીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં જાણે પાણી પાણી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે એવી ચેતવણી પણ આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ જારી રહેશે.
આગામી કેટલાક દિવસ દિલ્હીમાં વરસાદની આગાહી
દિલ્હીવાસીઓએ તેમના ઘરમાં રહીને અને ગરમ ચાની ચૂસકી લઈને આ વરસાદનો આનંદ માણવો જોઈએ.આજે સવારે દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પછી સાંજે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદ હજુ અટકવાનો નથી. આગામી કેટલાક દિવસો સુધી આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ ચાલુ રહેશે.
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 59 નોંધાયો
મળતી માહિતી મુજબ આજે સવારે ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 59 નોંધાયો હતો જે સંતોષકારકની શ્રેણીમાં આવે છે.