દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેની આસપાસ કેરળ પહોંચશે. કેન્દ્ર સરકારની સૂચના પર, રાજ્ય સરકારે શુક્રવારે ચોમાસાની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભૂસ્ખલન થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોના સંપર્ક નંબર લેવામાં આવે. આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના બાકીના ભાગો અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
મુંબઈમાં કમોસમી વરસાદ શરૂ થયો
મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ઘણા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે. મુંબઈની સાથે દાદરમાં પણ ઝરમર વરસાદ પડ્યો. 17થી 20 મે દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા, વીજળી અને 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
20મે ના રોજ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
21-22 મેના રોજ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 20 અને 21 મેના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 20મે ના રોજ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
આગામી 7 દિવસ માટે હવામાન કેવુ રહેશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ મુજબ, આગામી 7 દિવસમાં, દેશભરના લગભગ 30 રાજ્યોમાં વાવાઝોડા આવશે, કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન 6 રાજ્યના કેટલાક ભાગોમાં લૂ ફેકાવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદની શક્યતા છે. 16 મે થી 21 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. કેરળ અને કર્ણાટકમાં પણ ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.