હવામાન વિભાગની આગાહી મુજબ ગુલમર્ગ સહિત કાશ્મીરના કેટલાક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાનશાસ્ત્રીઓએ આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ કાશ્મીર અને ચિનાબ ખીણના વિસ્તારોમાં વ્યાપક હિમવર્ષા થવાની સંભાવના છે અને ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના શોપિયાં, કુલગામ, બાંદીપુર, ગુલમર્ગ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અથવા હિમવર્ષાની ચેતવણી
સ્થાનિક હવામાન કચેરીએ મંગળવારે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં 27 અને 28 ફેબ્રુઆરીએ વિવિધ સ્થળોએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. સ્થાનિક હવામાન કચેરીએ 27 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને હિમવર્ષા અને 28 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા
26 ફેબ્રુઆરી (બુધવાર) ના રોજ ચંબા, કાંગડા, કુલ્લુ, લાહૌલ અને સ્પીતિ અને મંડીમાં ભારે વરસાદનુ યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે અને રાજ્યમાં 1 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
ઉત્તરાખંડમાં આજે હળવો વરસાદ અને હિમવર્ષા
ઉત્તરાખંડમાં આજે (26 ફેબ્રુઆરી) હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જે પછીથી વધશે. 26 ફેબ્રુઆરી અને 1 માર્ચની વચ્ચે પંજાબ અને ઉત્તર હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે કરા પડી શકે છે. તમિલનાડુમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ શક્ય છે, જ્યારે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે વરસાદની શક્યતા છે. તામિલનાડુમાં 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.