- જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ધોધમાર વરસાદ
- 5 રાજ્યોમાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ
- અમરનાથયાત્રીઓને આપી આ ખાસ સલાહ
હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે ક્યાંક ભેખડો ધસી પડી છે તો ક્યાંક રોડ રસ્તા તૂટવાને કારણે સંપર્ક કપાયો છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે વાદળ ફાટ્યુ હતું. પરિણામે ભેખડો ધસી પડવાને કારણે કાશ્મીર ઘાટીથી લદ્દાખનો સંપર્ક કપાયો હતો. જો કે હાલ કાટમાળ હટાવીને અવરજવર શરૂ કરી દેવામાં આવી છે.
અમરનાથના યાત્રીઓ માટે આ સલાહ
ગાંદરબલ જિલ્લાના એડીસી ગુલઝાર અહેમદે જણાવ્યું હતું કે વાદળ ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પાણીના જોરદાર પ્રવાહને કારણે જે લોકોના મકાનો કાટમાળથી પ્રભાવિત થયા છે તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસડીએમ બિલાલ મુખ્તારે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને હવામાનની સંપૂર્ણ માહિતી મેળવીને જ આગળ વધવાની સલાહ આપી છે. ખરાબ હવામાનને કારણે કટરામાં હેલિકોપ્ટર સેવા પણ ખોરવાઈ ગઈ હતી.
એક દિવસ અમરનાથયાત્રા બંધ
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષાનું પણ એક કારણ છે, કારણ કે 5 ઓગસ્ટના રોજ કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ છે,
હિમાચલમાં 45 લોકો ગુમ
હિમાચલમાં પાંચ દિવસ પહેલા વાદળ ફાટવાની ઘટનામાં ગુમ થયેલા લોકોની સંખ્યામાં વધુ બેનો વધારો થયો છે. શ્રીખંડ યાત્રાના પ્રથમ સ્ટોપ સિંઘગઢ ખાતે રોકાયેલા બે લોકો પણ ગુમ છે. આમ, ત્રણ જિલ્લામાં છ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બાદ 45 લોકો ગુમ થયા છે. જેમાંથી રામપુરના સમેજમાં 36, બાગીપુલમાં પાંચ, મંડીના રાજબન અને કુલ્લુ જિલ્લાના શ્રીખંડમાં બે-બે લોકો ગુમ છે.
કેદારનાથમાં 570 યાત્રીઓ ફસાયેલા
તો આ તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે ફસાયેલા યાત્રીઓને બચાવવા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના આપત્તિ પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા 17,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ફસાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો સહિત 370 થી વધુ લોકોને બહાર કાઢીને હવાઈ માર્ગે લિંચોલી મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેદારનાથમાં હજુ પણ 570 મુસાફરો ફસાયેલા છે અને તેમને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. રામબાડા-ચૌમાસી પગપાળા માર્ગ પર 110 યાત્રાળુઓ પણ ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્યમાં NDRF અને SDRFની સાથે વાયુસેનાના ચિનૂક અને MI17 હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કોંકણ પ્રદેશ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કેરળ, કોસ્ટલ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં બે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.









