• ઉત્તર ભારત સહિત દેશના ઘણા જિલ્લાઓમાં ભીષણ ગરમી
  • હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા
  • કહ્યું બહુ જલ્દી ચોમાસુ કેરળ પહોંચશે
દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંય વાવાઝોડા રેમલની અસરને કારણે વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે હવે મે મહિનો પૂર્ણતાને આરે છે. ત્યારે આકરી ગરમીમાંથી રાહત ક્યારે મળશે, ક્યારે વરસાદ આવશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ સવાલ એ પણ થાય છે કે ગરમી હજી ક્યાં સુધી કહેર મચાવશે.

BSF જવાન સહિત 2ના મોત
ઉત્તર ભારતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં. રાજ્યના પશ્ચિમ ભાગમાં ભારે ગરમીને કારણે 29 મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેસલમેરમાં ગરમીના કારણે BSF જવાન સહિત બે લોકોના મોત થયા છે.

ગરમીથી ક્યારે મળશે રાહત ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી આકરી ગરમીમાંથી કોઈ રાહત મળવાની નથી. આ સમયગાળા દરમિયાન, રાજસ્થાનના મોટાભાગના ભાગો અને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ યુપી અને મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં હિટવેવની સંભાવના છે. આ પછી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

અહીં રેડ એલર્ટ
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, યુપી, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં 29 મે સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના ફલોદીમાં નૌતાપા દરમિયાન સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યુ છે.ત્યાં શનિવારે પ્રથમ દિવસે 50 ડિગ્રી અને રવિવારે 49.8 ડિગ્રી અને સોમવારે 49.4 ડિગ્રી નોંધાયું હતું. ફલોદી સહિત દેશમાં 17 સ્થળોએ પારો 48 ડિગ્રીની નજીક રહ્યો હતો.

કેરળ ક્યારે પહોંચશે ચોમાસુ ?
ચોમાસુ સૌ પ્રથમ તો કેરળ પહોંચે. ત્યારે એવી ઉત્સુકતા છે કે કેરળમાં ક્યારે ચોમાસુ પહોંચશે. ત્યારે હવામાન વિભાગે આ અંગે રાહતના સમાચાર આપતા જણાવ્યુ કે કેરળમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ બેસે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. કેરળમાં ચોમાસુ પહોંચવાની તારીખ 31મે જણાવવામાં આવી છે. સામાન્ય રીતે કેરળમાં એક જૂને ચોમાસુ પહોંચે છે. જ્યારે યુપીમાં 18થી 20 જૂન, મહારાષ્ટ્રના મુંબઇમાં 10 થી 11 જૂને ચોમાસુ પહોંચવાની આશા છે. ત્યારે રાજધાની દિલ્હીમાં ચોમાસુ 29 જૂને પહોંચે તેવુ અનુમાન છે.

  • Follow us on: