- લોકસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થયા
- પશ્ચિમ બંગાળના બહરામપુરમાં ત્રિકોણીય જંગ જામ્યો
- પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને કોંગ્રેસના અધીર રંજન વચ્ચે જંગ
પશ્ચિમ બંગાળના બહરામપુર લોકસભા સીટ પર સૌની નજરો ટકેલી છે. આ સીટ પર ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરી તેમજ ભાજપના ઉમેદવાર નિર્મલ કુમાર સાહા વચ્ચે ત્રિકોણીય ટક્કર છે.
લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ચુકી છે. લોકોની નજરો પશ્ચિમ બંગાળના બહરામપુર લોકસભા બેઠક પર છે આ બેઠક પર ટીએમસી ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ તેમજ કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરી તો વળી ભાજપના નિર્મલ કુમાર સાહા વચ્ચે રસાકસી છે. ત્યારે યુસુફ પઠાણ હવે ટ્રેન્ડમાં પાછળ રહી ગયા છે. જ્યારે અધીર રંજને હવે આગેવાની લીધી છે. જ્યારે ભાજપના નિર્મલ કુમાર સાહા ત્રીજા સ્થાને છે.
કોંગ્રેસના અધીર રંજન ચૌધરી આ બેઠક પરથી વર્તમાન સાંસદ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના અપૂર્વ સરકારને 80,696 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2014 માં, ચૌધરી TMCના ઇન્દ્રનીલ સેનને 1,56,567 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે 2009ની સામાન્ય ચૂંટણીમાં અધીર રંજન ચૌધરીએ રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટીના પ્રમોદ મુખર્જીને હરાવીને સીટ જીતી હતી. એકંદરે, ચૌધરી આ બેઠક પરથી સતત પાંચ વખત ચૂંટણી જીત્યા છે. તેઓ 1999માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે અધીર રંજન ચૌધરી જીતવા માટે સિક્સર ફટકારે છે કે પછી યુસુફ પઠાણ રાજનીતિની પહેલી કસોટીમાં સફળ થાય છે કે નિર્મલ સાહા સરપ્રાઈઝ આપે છે.
41 વર્ષીય યુસુફ પઠાણ પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પઠાણ 2011માં T20 વર્લ્ડ કપ (2007) અને 50 ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. યુસુફ પઠાણે ભારત માટે 57 ODI મેચોમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા છે. 22 T20 મેચમાં તેના નામે 236 રન હતા. તેણે વનડેમાં 2 સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. યુસુફ પઠાણે વનડેમાં પણ 33 અને ટી20માં 13 વિકેટ ઝડપી હતી.
યુસુફ પઠાણે ટી20 વર્લ્ડ કપ (2007)માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2012માં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચ તેની ટી20 કારકિર્દીની છેલ્લી મેચ હતી. તે જ સમયે, 2008માં તેણે પાકિસ્તાન સામેની મેચથી પોતાની વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી. યુસુફે 2012માં ભારત માટે છેલ્લી વનડે રમી હતી.
બહેરામપુર લોકસભામાં સાત વિધાનસભા મતવિસ્તાર
બહેરામપુર લોકસભા મતવિસ્તાર વર્ષ 1952માં જ અસ્તિત્વમાં આવ્યું હતું. આ લોકસભામાં 7 વિધાનસભા મતવિસ્તાર છે, બુરવાન, કાંડી, બેલડાંગા, નૌડા, ભરતપુર, બહેરામપુર અને રેજીનગર. ખાસ વાત એ છે કે આમાંથી 6 વિધાનસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસનું નિયંત્રણ છે, જ્યારે બહરમપુર વિધાનસભા સીટ પર ભાજપનું નિયંત્રણ છે. કોંગ્રેસ પાસે બહેરામપુર લોકસભા મતવિસ્તાર હેઠળ એક પણ વિધાનસભા બેઠક નથી.










