કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં બનેલી અમાનુષી ઘટનાના વિરોધમાં ઉતરેલા તબીબો અને મમતા સરકાર વચ્ચેની વાટાઘાટો અને વાતચીત પર સૌની નજર ટકેલી છે. જુનિયર તબીબોએ મુખ્યપ્રધાનના કાર્યાલયને ઇ-મેલ મોકલીને વાતચીત માટે સહમતી દર્શાવી છે.
આ પહેલાં મંગળવારે હડતાળિયા તબીબોએ વાતચીત માટે ઇનકાર કરી દીધો હતો. બુધવારે પરોઢિયે 3.49 વાગે તબીબો દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેલના જવાબમાં સરકારે તમને સાંજે છ વાગે રાજ્યના સચિવાલય ખાતે બેઠકમાં સામેલ થવા અનુરોધ કર્યો હતો. પરંતુ તબીબોએ હવે વાતચીત માટે કેટલીક શરતો મૂકી છે.
મુખ્ય સચિવ મનોજ પંતે તબીબોને વાતચીત માટે હાજર રહેવા મેલ મોકલ્યો હતો. તેમાં લખ્યું હતું કે,' અમે તમારા પ્રતિનિધિમંડળને, જેમાં મહત્તમ 12થી 15 સહકર્મી સામેલ હોય તેમને બુધવારે સાંજે 6 વાગે ચર્ચા માટે આમંત્રિત કરીએ છીએ. ઇ-મેલથી તમારા પ્રતિનિધિમંડળની યાદી મોકલવા વિનંતી છે. અમે તમારા હકારાત્મક જવાબની અને સાર્થક વાતચીતની આશા કરીએ છીએ.'
પરંતુ તબીબોએ હવે વાતચીત પહેલાં સરકાર સામે કેટલીક શરતો મૂકી છે. દેખાવો અને ધરણાં કરી રહેલા તબીબોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે પશ્ચિમ બંગાળની સરકારને એક મેલ કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે બેઠકમાં 30 પ્રતિનિધિઓને આવવાની મંજૂરી આપવામાં આવે. અમે ઇચ્છીએ છીએ કે મુખ્યપ્રધાન મમતા બેનરજી તે બેઠકમાં હાજર રહે. બેઠકમાં શું ચર્ચા થઈ તે બધા જ જાણી શકે તે માટે બેઠકનું લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવાર સાંજ સુધીમાં ફરજ પર હાજર થવા જુનિયર તબીબોને મહેતલ આપી હોવા છતાં જુનિયર તબીબોએ હડતાળ ચાલુ રાખી છે.