- પશ્ચિમ બંગાળના પ્રવાસે પીએમ મોદી
- જલપાઇ ગુડીમાં સંબોધી ચૂંટણી સભા
- ટીએમસી વિરુદ્ધ આકરાપાણીએ પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી બિહાર બાદ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે. તેઓનો 3 દિવસમાં આ બીજી વખતની મુલાકાત છે. આ પહેલા તેમણે 4 એપ્રિલે કૂચબિહારમાં રેલી સંબોધી હતી. ત્યારે હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે.
વિકસિત ભારતના સપનાને પુર્ણ કરવા પ્રયત્નશીલ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સપનાને પુરા કરવા માટે મારી દરેક ક્ષણ અને દરેક પળ દેશ માટે છે. આથી 24*7 હું 2047 માટે કામ કરી રહ્યો છું.
ટીએમસી હુમલા કરાવે છે- પીએમ મોદી
પીએમ મોદીએ ટીએમસીને આડેહાથ લેતા જણાવ્યું કે ટીએમસી ઇચ્છે છે કે ભ્રષ્ટાચારી નેતાઓને આતંકવાદનું લાયસન્સ મળે.એટલે જ્યારે કેન્દ્રની તપાસ એજન્સીઓ આવે છે ત્યારે ટીએમસી તેમની પર હુમલા કરે છે અને બીજા જોડે કરાવડાવે છે. ટીએમસી કાયદો અને સંવિધાનને કચડી નાંખતી પાર્ટી છે.
સંદેશખાલીના અપરાધીઓને સજા થવી જોઇએ- પીએમ મોદી
વધુમાં જણાવ્યું કે તમે જ જુઓ, સંદેશ ખાલીમાં જે થયુ તે આખો દેશ જાણે છે. માતા બહેનો સાથે અત્યાચાર થયો છે. આ દેશે જોયુ છે. દરેક મામલે અહીં કોર્ટે ખુદ અહીં દરમિયાનગીરી કરવી પડે છે. દરેક બાજુ ટીએમસીના સિન્ડિકેટનું રાજ છે. લોકો અત્યાચાર સહન કરવા મજબૂર બન્યા છે. શું સંદેશખાલીના અપરાધીઓને કડક સજા ન થવી જોઇએ ?
ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી વધુ કડક થશે- પીએમ મોદી
તેમણે કહ્યું કે ટીએમસી, વામદળ અને કોંગ્રેસ એકબીજાના સાથી છે. એકબીજાના ભ્રષ્ટાચારીઓને બચાવવા ઇન્ડિ ગઠબંધન બનાવ્યું છે. હું કહુ છું ભ્રષ્ટાચાર હટાવો તેઓ કહે છે ભ્રષ્ટાચારી બચાવો. આ લોકો જેટલા ષડયંત્ર કરી લે હું ગેરંટી આપુ છું કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી વધુ કડક થશે.
વિપક્ષને લીધી આડેહાથ
PM મોદીએ વિપક્ષને આડેહાથ લેતા ટિપ્પણી કરી કે ઇન્ડિ. ગઠબંધનના વરિષ્ઠ નેતાના ઘરે છેલ્લા 15 દિવસથી તોફાન ચાલી રહ્યું છે. તેમણે જિદ્દ પકડી છે કે જ્યાં સુધી ઇન્ડિ. ગઠબંધન તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરે ત્યાં સુધી તેઓ ચૂંટણી પ્રચારમાં નહીં જાય. તેમણે કહ્યું કે આ લોકો નક્કી નથી કરી શકતા કે તેમનો નેતા કોણ છે? એ લોકો અંદરોઅંદર લડી રહ્યા છે.ઇન્ડિ.ગઠબંધનના સભ્યોનું કહેવું છે કે અત્યારે નહીં, તેઓ ચૂંટણી પછી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.









