- અરવિંદ કેજરીવાલને આજે બપોરે કોર્ટમાં કરાશે રજૂ
- ઇડીના 10 દિવસના રિમાન્ડ આજે થાય છે પૂર્ણ
- દિલ્હી હાઇકોર્ટે ધરપકડ પર રાહત આપવાનો કર્યો છે ઇન્કાર
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મોટા ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તે જોવા માટે સૌની નજર રાઉઝ એવન્યુ કોર્ટ પર છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ઇડી વધુ દિવસના રિમાન્ડ માંગી શકે છે.
કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટથી રાહત નહી
આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે તેમની ધરપકડ અને ઈડીની કસ્ટડીના મામલે કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં કોર્ટે ED પાસેથી જવાબ માંગ્યો છે અને તેની આગામી સુનાવણી 3 એપ્રિલના રોજ નક્કી કરી છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના કારણે સંઘર્ષ વધી ગયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સતત એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.
દિલ્હી પોલીસ સુરક્ષાને લઇને સતર્ક
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ ED રિમાન્ડ પર આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. AAP નેતાઓ અને કાર્યકરોના વિરોધની અપેક્ષાએ, 1,000 થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટ, બીજેપી હેડક્વાર્ટર, એલજી હાઉસ, પીએમ હાઉસ, એચએમ હાઉસ અને બીજેપી અધ્યક્ષના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે. અરવિંદ કેજરીવાલના દેખાવને જોતા સુરક્ષા વ્યવસ્થાની મહત્વની જવાબદારી દિલ્હી પોલીસના ACP અને SHOને સોંપવામાં આવી છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
કેજરીવાલના પત્નીએ શું કહ્યુ ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળ મંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે મુખ્ય પ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો, શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે?. અરવિંદજીએ મને કહ્યું કે દારૂ કૌભાંડની તપાસમાં, ED એ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે. કોઈપણ દરોડામાં પૈસા મળ્યા નથી. અરવિંદ જીએ કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટમાં આ વાત જાહેર કરશે..તેઓ આના પુરાવા પણ આપશે..અરવિંદજીએ કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારા બધામાં છે.










