- સુપ્રીમે પોતાનો ગર્ભપાતની મંજૂરી આપતો આદેશ અટકાવ્યો
- સરકારે કોર્ટમાં રજૂ કર્યો AIIMSનો મેડિકલ રિપોર્ટ
- ભ્રૂણમાં જીવનની પ્રબળ સંભાવનાઓ છે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની અનુમતિ આપતા આદેશને હાલ પુરતો અટકાવી દીધો છે. સરકાર તરફથી કેસમાં વધુ એક મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ભ્રૂણ 'viable' છે એટલે કે તેમાં જીવનના લક્ષણો દેખાઈ રહ્યા છે અને તેના જીવતા રહેવાની પ્રબળ સંભાવનાઓ છે.
સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ પરત લેવાની સરકારની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તે કોઈપણ નવો આદેશ જાહેર કરતાં પહેલા મહિલા સાથે વાત કરવા માંગે છે. આ કેસની વધુ સુનાવણી આજે બપોરે 2 વાગે થશે.
મંગળવારે ગર્ભપાતને મંજૂરી આપનારી સુપ્રીમ કોર્ટને એ વાતની નારાજગી હતી કે AIIMSનો મેડિકલ રિપોર્ટ આટલો મોડો કેમ દાખલ કરવામાં આવ્યો અને કોર્ટ એમ પણ જાણવા માંગે છે કે રિપોર્ટ અગાઉ કેમ રજૂ કરવામાં ન આવ્યો.
જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું, "અમારા આદેશ બાદ જ કેમ...? તેમને પહેલા કેમ યાદ ન આવ્યું...? કઈ કોર્ટ ધબકતા હૃદય સાથેના ગર્ભને ખતમ કરવા માંગશે, ચોક્કસપણે અમે તો નહીં જ?", ભગવાનની ખાતર.."
મંગળવારે, સુપ્રીમ કોર્ટની અન્ય એક ખંડપીઠે દંપતીને 26-અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી કારણ કે અરજદારે દલીલ કરી હતી કે મહિલા, પહેલેથી જ બે બાળકોની માતા છે, અને તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પોસ્ટ-નેટલ ડિપ્રેશનથી પીડાઈ રહી છે.
મહિલાએ કહ્યું હતું કે તે આર્થિક, ભાવનાત્મક અને સામાજિક રીતે ત્રીજા બાળકને ઉછેરવાની સ્થિતિમાં નથી, કારણ કે તેણે તેના બીજા બાળકને સ્તનપાન કરાવવું પડે છે.