- લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર
- ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ યોજાઇ
- ચૂંટણી અંગે ECએ આપી જાણકારી
ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. દેશમાં પ્રથમ તબક્કા માટે એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એક સાથે જાહેર કરવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. દેશની 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
આદર્શ આચારસંહિતા એટલે શું..?
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે.
- ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે
- ચૂંટણી પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે
- ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી
- આચારસંહિતા લાગુ થતા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે
- આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે
- કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે
- આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે.
- જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે
- જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે
આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે?
- આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે
- આચારસંહિતાના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે દુરુપયોગ ન કરી શકે.
- આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ.
- ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે.
- આદર્શ આચારસંહિતા દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.
આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?
- કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
- કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે કામ કરે છે
- કોઈ કર્મચારીની બદલી કરી શકાતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
- સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાતો નથી.
- કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી.
- સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગે લગાવેલા પોસ્ટર્સ હટાવી દેવા જરૂરી છે.
- સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાતો સરકારી ખર્ચે આપી શકાતી નથી.
- સરકારી પૈસા કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં વાપરી શકાય નહીં જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
- ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
- ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો કરી શકાતા નથી.









