- SCએ આરિફ મોહમ્મદ ખાનને ઠપકો આપ્યો
- કોર્ટની પણ બંધારણ જવાબદારી, લોકો પ્રત્યે જવાબદારી છે
- કેરળ સરકાર અને રાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી
કેરળ સરકાર અને રાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ પડતર ખરડા મામલે બે વર્ષથી શું કરી રહ્યા હતા? જેમ રાજ્યપાલની બંધારણીય જવાબદારી છે એ જ રીતે કોર્ટની પણ બંધારણ અને લોકો પ્રત્યે જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને ઠપકો આપતા કહ્યું કે તે અગાઉ પંજાબના મામલામાં કહી ચૂકી છે કે કાયદા ઘડવાની ધારાસભાની પ્રક્રિયાને રોકવા માટે રાજ્યપાલની સત્તાનો ઉપયોગ ન થઈ શકે. કોર્ટે જણાવ્યું કે તે રાજ્યપાલોના વટહુકમો અંગે નિર્ણય લેવા માટે માર્ગદર્શિકા ઘડવા અંગે વિચારણા કરશે. કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચે એ વાતનો વિવાદ છે કે રાજ્યપાલે 8 પડતર ખરડામાંથી 7 ખરડા કોઈ કારણ આપ્યા વિના રાષ્ટ્રપતિને મોકલી આપ્યા હતા.
આ મામલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી હસ્તક્ષેપની માગ કરી હતી. કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રાજભવન સામે ખરડાને મંજૂરી આપવામાં સર્વાધિક વિલંબનો આક્ષેપ કર્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કાર્યવાહીઓ બાદ રાજ્યપાલે 8 ખરડા અંગે નિર્ણય લીધો છે. સાથે જ કોર્ટે તેમને ખરડા અંગે ચર્ચા કરવા માટે જે-તે મંત્રી સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને મળવા કહ્યું છે.










