- સોશિયલ મીડિયા કંપનીઓએ IT નિયમો 2021નું પાલન કરવું પડે
- વોટ્સએપ એન્ક્રિપ્ટેડ છે એટલા માટે લોકો ઉપયોગ કરે છે, લોકોને પ્રાઇવસી પર વિશ્વાસ છે : વોટ્સએપની દલીલ
- કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021માં ઇન્ફર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021ની જાહેરાત કરી
મેટાના આધિપત્યવાળી મેસેજિંગ એપ વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ લડાઈ હવે આખરી ચરણમાં પહોંચી છે. આ વખતે વોટ્સએપ હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહી છે. સરકાર તરફથી વારે વારે કહેવાઈ રહ્યું છે કે વોટ્સએપે મેસેજના સોર્સ બાબતે જણાવવું પડશે, એટલે કે કોઈ મેસેજ પહેલી વાર ક્યારે, ક્યાંથી મોકલવામાં આવ્યો હતો. આ મુદ્દે વોટ્સએપનું કહેવું છે કે તે માટે એન્ક્રિપ્શન તોડવું પડશે અને તે તેની પ્રાઇવસી પોલિસી વિરુદ્ધની બાબત છે. હવે વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે જો તેને મજબૂર કરવામાં આવશે તો તે દેશ છોડી દેશે.
વોટ્સએપ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લોકો વોટ્સએપનો ઉપયોગ એટલા માટે કરે છે, કેમ કે તે એન્ક્રિપ્ટેડ છે અને લોકોને પ્રાઇવસી પર વિશ્વાસ છે. યૂઝર્સ એ જાણે છે કે વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. તેને ધ્યાનમાં લેતાં, તેમના મેસેજને કોઈ પણ વાંચી નથી શકતા. પણ એન્ક્રિપ્શન તોડયા બાદ તેની પ્રાઇવસી સમાપ્ત થઈ જશે. જો ભારત સરકારે એન્ક્રિપ્શન તોડવા માટે મજબૂર કરશે તો અમારે દેશ છોડવો પડશે.










