સૂચના અનુસાર, એપ્રિલ 2018 પછી આ પહેલો એવો સુધારો છે જેનો હેતુ સાંસદોના પગારને ફુગાવાને અનુરૂપ લાવવાનો છે. જોકે આ વધારાથી કાયદા ઘડનારાઓ અને સામાન્ય લોકોમાં આવક અસમાનતા અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલયના ડેટા અનુસાર, 2022-23માં ભારતની અંદાજિત માથાદીઠ આવક ₹1.72 લાખ અથવા લગભગ ₹14,333 પ્રતિ માસ હતી. આ આંકડા દર્શાવે છે કે હવે ભૂતપૂર્વ સાંસદને પણ સામાન્ય ભારતીયની સરેરાશ આવક કરતાં બમણું પેન્શન મળે છે, જ્યારે વર્તમાન સાંસદની આવક સામાન્ય ભારતીયની આવક કરતાં લગભગ 9 ગણી વધુ છે.
સાંસદો અને સામાન્ય લોકો વચ્ચે આવકની અસમાનતા વધી
એક તરફ સામાન્ય ભારતીયો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તેવામાં સાંસદોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો. ભારતમાં છૂટક ફુગાવો ગયા નાણાકીય વર્ષના મોટાભાગના સમય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 4% લક્ષ્યાંકથી ઉપર રહ્યો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. સાંસદોને તો દૈનિક ભથ્થુ, મતવિસ્તાર ભથ્થું, મફત મુસાફરી અને મફત સરકારી રહેઠાણ જેવી સુવિધાઓ પણ મળે છે જેને લઇને સાંસદ અને સામાન્ય લોકો આવકની અસામનતા વધતી જણાઇ આવે છે.
વર્ષ 2022-23 માટે પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના ડેટા દર્શાવે છે કે ભારતમાં પગારદાર કર્મચારીઓનો સરેરાશ પગાર સાંસદોને મળતા પગાર કરતા ઘણો ઓછો છે. ટીકાકારો દલીલ કરે છે કે આવા સુધારાઓનો નિર્ણય સંસદમાં મતદાન દ્વારા સાંસદોએ પોતાના પગાર વધારાનો નિર્ણય લેવાને બદલે સ્વતંત્ર કમિશન દ્વારા લેવો જોઈએ. સાંસદોના વેતન અને ભથ્થામાં વધારા બાદ સાંસદો પર સરકારનો કુલ વાર્ષિક ખર્ચ વધી ગયો.
સરકારી તિજોરી પર કેટલો બોજ ?
હવે દરેક સાંસદને સરકારી તિજોરી પર વાર્ષિક આશરે રૂ. 42.9 લાખનો ખર્ચ થશે, જેમાં તેમના પગાર, ભથ્થાં અને સુવિધાઓનો ખર્ચ પણ સામેલ છે. પગારમાં માત્ર 24% વધારા સાથે, સાંસદોનો વાર્ષિક પગાર ખર્ચ 14.8 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, સાંસદોને 2,500 રૂપિયા દૈનિક ભથ્થું મળશે. જો વર્ષમાં 100 દિવસનું સંસદ સત્ર હોય, તો આ મુજબ, એક સાંસદ પર દૈનિક ભથ્થા તરીકે વર્ષમાં 2.5 લાખ રૂપિયા ખર્ચ થશે.
કુલ સાંસદો પર દર વર્ષે કેટલો ખર્ચ થશે ?
પગાર અને દૈનિક ભથ્થા ઉપરાંત સાંસદોને દર મહિને રૂ. 70,000 મતવિસ્તાર ભથ્થું મળે છે, જે વાર્ષિક રૂ.8.4 લાખ થાય છે, અને દર મહિને રૂ. 60,000 ઓફિસ ખર્ચ મળે છે, જે કુલ રૂ. 7.2 લાખ પ્રતિ વર્ષ થાય છે. આ ઉપરાંત સાંસદોને મુસાફરી ભથ્થું અને અન્ય સુવિધાઓ પણ મળે છે, જેનો અંદાજિત ખર્ચ પ્રતિ સાંસદ દર વર્ષે ₹ 10 લાખ છે. આ રીતે, 788 સાંસદો (લોકસભામાં 543 અને રાજ્યસભામાં 245 ) પર વાર્ષિક કુલ ખર્ચ આશરે ₹3,386.62 કરોડ સુધી પહોંચી ગયો છે. આમાં સાંસદોના પગાર, ભથ્થા, ઓફિસ ખર્ચ, મુસાફરી ભથ્થું અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.