જમ્મુ કાશ્મીરના બિલાવરમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. જે બાદ તેમણે આ બાબતે પીએમ મોદીના નામનો ઉલ્લેખ કરીને એક નિવેદન આપ્યુ હતું જેને લઇને ભાજપમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મલ્લિકાર્જુ ખડગેને રાહુલ ગાંધી વિરોધી ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી તો વૃદ્ધ થઇ જશે
બિહારના બેગુસરાય પહોંચેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના વિરોધી છે. તેથી જ તેઓ વિચાર્યા વિના નિવેદનો આપી રહ્યા છે. હું ખડગે સાહેબને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી 100 વર્ષ જીવશે અને ત્યાં સુધીમાં રાહુલ ગાંધી વૃદ્ધ થઈ જશે.
સપનું માત્ર સપનું રહી જશે
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી લોકોના દિલ સાથે જોડાયેલા છે. લોકો પણ તેમને દિલથી પ્રેમ કરે છે. તેથી લાગે છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનું સપનું માત્ર સપનું જ રહી જશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ-કાશ્મીરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ જલ્દી મૃત્યુ પામવાના નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવે નહીં ત્યાં સુધી તેઓ જીવિત રહેશે.
અમિતશાહનો ખડગેને પલટવાર
ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ગઇકાલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં અપમાન જનક વ્યહાર કરીને પોતે જ પોતાના નેતા અને પોતાની પાર્ટીને પાછળ રાખી દીધી છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે પોતાની કડવાશનો પરિષય આપીને તેઓ મતલબ વિના પીએમ મોદીને પોતાના સ્વાસ્થ્યની મામલે વચ્ચે લાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પીએમ મોદીને સત્તામાંથી હટાવીને જ દમ લેશે. આ પરથી જાણી સમજી શકાય છે કે કોંગ્રેસિઓમાં પીએમ મોદીને લઇને કેટલી નફરત અને ડર છે કે તેઓ દરેક સમયે પીએમ મોદી વિશે જ વિચારી રહ્યા હોય છે.
તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના
અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની તબિયતની વાત છે તો પીએમ મોદી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું. અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તે લાંબુ જીવે અને સ્વસ્થ રહે. 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જોવા માટે તેઓ જીવિત રહે.
પીએમ મોદીએ પૂછ્યા ખબર અંતર
જો કે મળતી માહિતી મુજબ પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના બિલવારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક બગડી ગઈ હતી.









