- ચીનને પછાડીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો
- નિષ્ણાતો ચીનની ઘટતી વસતીને વિશ્વ માટે ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે
- સસ્તા મજૂરીથી બનેલી ચીની ચીજવસ્તુઓ પર નિર્ભર દેશોને આવનારા સમયમાં પડશે મુશ્કેલી
ચીનની ઘટતી વસતી વિશ્વ માટે એક નવા ખતરાના સંકેત આપી રહી છે. તમે એ પણ વિચારતા હશો કે કોઈ દેશની વસતીમાં ઘટાડો કે વધારો દુનિયા માટે મુશ્કેલીનું કારણ કેવી રીતે બની શકે? પરંતુ તે સાચું છે અને આવનારા સમયમાં ચીનની ઘટતી વસતીની અસર આખી દુનિયામાં જોવા મળશે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ ખતરાની વાત કરવામાં આવી છે. હવે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ચીનમાં સતત ઘટતી વસતી માત્ર તેના સ્થાનિક અર્થતંત્રને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પણ અસર કરશે. ચાલો સમજીએ કે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો આને લઈને શા માટે ચિંતિત છે.
સંકોચાઈ રહેલું કાર્યબળ વૈશ્વિક અર્થતંત્ર માટે બ્રેક તરીકે કામ કરી શકે છે. વર્ષોથી ચીનની મોટી કાર્યકારી વયની વસ્તી વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન છે. ત્યાંના કારખાનાના કામદારો નજીવા વેતન માટે માલનું ઉત્પાદન કરે છે જે સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. આવનારા વર્ષોમાં ચીનમાં ઉચ્ચ શિક્ષિત વર્કફોર્સમાં વધારો થવાને કારણે અને યુવાનોની ઘટતી વસતીને કારણે ફેક્ટરી કામદારોની અછત સર્જાશે. આ કારણે ચીનની બહાર સામાનની કિંમતો ઝડપથી વધી શકે છે. અમેરિકા જેવા દેશોમાં ફુગાવો ભયંકર રીતે વધી શકે છે જે મુખ્યત્વે ચીનમાંથી માલની આયાત પર નિર્ભર છે. ચીનમાં વધતી જતી મજૂરી કિંમતને કારણે ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદન એકમોને ત્યાંથી ખસેડવાનું શરૂ કરી દીધું છે. કંપનીઓ વિયેતનામ અને મેક્સિકો જેવા સસ્તા શ્રમ ધરાવતા દેશોમાં તેમના ઉત્પાદન કામગીરીને શિફ્ટ કરી રહી છે.
ઘટતી વસતીને કારણે ચીનના ગ્રાહકોનો ખર્ચ પણ ઘટશે. આના કારણે એપલ સ્માર્ટફોનથી લઈને નાઈકી સ્નીકર્સ જેવી મોટી વૈશ્વિક બ્રાન્ડ જે ચીનમાં તેમના ઉત્પાદનોના વેચાણ પર નિર્ભર છે, તેઓને ખરાબ અસર થશે. ચીનના મુખ્ય હાઉસિંગ માર્કેટના ડેટા પણ સારા નથી. ચીન પણ ઇમિગ્રેશન નિયમોમાં છૂટછાટ આપવાની તૈયારી દર્શાવી રહ્યું નથી જેનાથી વર્ક ફોર્સમાં વધારો થશે. મજૂરોની અછતની ભરપાઈ કરવા માટે ચીન એશિયાના અન્ય દેશોમાં ઓછા-કુશળ ઉત્પાદનનું આઉટસોર્સિંગ કરી રહ્યું છે. આ સિવાય તેઓ ફેક્ટરીઓમાં વધુ ઓટોમેશનનો આગ્રહ કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.









