ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સ્થિતિ સામાન્ય બની છે. આજની યુવાપેઢીએ સંભવત પ્રથમ વખત બ્લેક આઉટ અને અંધારપટ જેવા શબ્દો સાંભળ્યા હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો ત્યારે દેશના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી થતા હુમલાને પગલે દેશમાં જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં સુરક્ષાને પગલે આગામી આદેશ સુધી બ્લેક આઉટના નિર્દેશ કરાયા હતા. મોટાભાગે રાત્રિના સમયે દેશના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. ત્યારે આજની યુવા પેઢીને સવાલ થતો હશે કે હુમલા સરહદ પર થાય છે ત્યારે કેમ દેશની અંદર બ્લેક આઉટ કરવામાં આવે છે. યુદ્ધ સ્થિતિ દરમિયાન કેમ બ્લેક આઉટ કરવામાં આવે છે. કેમ સરકાર નિશ્ચિત સ્થાનો પર નિશ્ચિત સમય માટે બ્લેક આઉટના નિર્દેશ આપતી હોય છે.


બ્લેકઆઉટ શું છે?

યુદ્ધથી બચવાની યુક્તિ અથવા તો સુરક્ષિત રહેવાની યુક્તિ એટલે બ્લેક આઉટ. બ્લેક આઉટના નિર્દેશ સરકાર તરફથી ત્યારે જ આપવામાં જ્યારે દુશ્મનો દ્વારા હુમલાની આશંકા હોય. બ્લેક આઉટ એટલે સંપૂર્ણ અંધારપટ. બીજા શબ્દોમાં કહીએ તો બ્લેકઆઉટની સ્થિતિમાં જે - તે વિસ્તારમાં વીજળી, સ્ટ્રીટ લાઇટ, ઘરની લાઇટ, વાહનની હેડલાઇટ અને બિલબોર્ડ લાઇટ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં અંધારપટ કરવામાં આવે છે. યુદ્ધ સ્થિતિ દરમિયાન દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવવા આ એક વધુ સારી વ્યૂહરચના કહી શકાય. સમગ્ર વિસ્તારમાં બ્લેક આઉટ હોવાના કારણે દુશ્મનો માટે નિશાન સાધવામાં મુશ્કેલી પડે છે.એટલે જ યુદ્ધ સ્થિતિમાં વધુ જાનહાનિ ટાળવા અચોક્સ સમય માટે બ્લેક આઉટ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચેને પંજાબ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના અનેક શહેરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું.

યુદ્ધ સ્થિતિની રણનીતિ બ્લેક આઉટ

બ્લેકઆઉટ એ આજની સમયની યુદ્ધની નવી રણનીતિ નથી. પરંતુ વર્ષોથી ચાલતી આવતી વ્યૂહરચના છે. બ્લેક આઉટની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમિયાન થઈ હતી. ૧૯૩૯-૧૯૪૫ના સમયમાં જર્મની, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં, હવાઈ બોમ્બમારાથી બચવા માટે શહેરોમાં અંધારપટ કરવામાં આવતો હતો. બ્રિટનમાં 1 સપ્ટેમ્બર 1939 ના રોજ યુદ્ધની ઘોષણા પહેલાં જ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું.સમયાંતરે દુનિયાના તમામ દેશો યુદ્ધ સ્થિતિ વખતે વધુ જાનહાનિ ટાળવા અને નિર્દોષ નાગરિકોની સુરક્ષા કરવા બ્લેક આઉટ લાગુ કરે છે. 


  • Follow us on: