- લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ
- એકનાથ શિંદેને મળ્યા ગોવિંદા
- લોકસભાની ચૂંટણી લડશે કે કેમ ?
લોકસભાની ચૂંટણીને લઇને ક્યાંય પક્ષ પલટો તો ક્યાંક નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી રહી છે. જેમ કે બોલિવુડ અભિનેત્રી કંગના રનોતને હિમાચલના મંડીથી ટિકિટ આપવામાં આવી છે ત્યારે હવે વધુ એક બોલિવૂડ એક્ટર રાજકારણમાં ઝંપલાવી શકે છે.
એક્ટર ગોવિંદાને લઇને અટકળો તેજ
બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા લાંબા સમય બાદ ફરી એકવાર રાજકારણમાં પરત ફરવાના હોય તેમ લાગી રહ્યું છે. તેઓ આજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળવા પહોંચ્યા હતા. તેઓ એકનાથ શિંદે જૂથમાં જોડાઇ ગયા છે. જે બાદ અટકળો શરૂ થઇ ગઇ છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે.
બુધવારે પણ કરી હતી બેઠક
મળતી માહિતી મુજબ ગોવિંદાને સીએમ શિંદેની પાર્ટી શિવસેના (શિંદે જૂથ) તરફથી ટિકિટ મળી શકે છે. શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરે (શિવસેના જૂથ) દ્વારા અમોલ કીર્તિકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા બુધવારે ગોવિંદાએ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી.
ગોવિંદા કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે
ગોવિંદા માટે આ પહેલી ચૂંટણી ઈનિંગ નહીં હોય. કારણ કે તેઓ આ પહેલા તેઓ 2004 થી 2009 સુધી કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ રહી ચુક્યા છે. . તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.
રાજા બાબુ, કુલી નંબર 1 જેવી ફિલ્મોએ ઓળખ આપી
ગોવિંદાએ પોતાના કરિયરમાં બોલિવૂડની 165થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, બડે મિયાં છોટે મિયાં, ભાગમભાગ, પાર્ટનર જેવી ફિલ્મોએ તેમને અલગ જ ઓળખ આપી. એક્ટિંગની સાથે તેમના ડાન્સિંગ મૂવ્સ પણ ફેન્સને પસંદ આવે છે.









