- બે કલાક સુધી ચાલી કેબિનેટની બેઠક
- બેઠકમાં થયેલી ચર્ચા પર કોઈ વિગત ન અપાઈ
- સંસદભવનના ઈતિહાસ પર વાત કરવામાં આવી
સંસદનું વિશેષ સત્ર સોમવાર (18 સપ્ટેમ્બર)થી શરૂ થયું છે. જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. દરમિયાન આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી હતી. આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. સૌ સભ્યો મહિલા અનામત બિલ પર સહમત થયા હતા. તેથી હવે રાજ્યની લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33 બેઠકો અનામત રાખવામાં આવશે. સર્વ રાજકીય પક્ષની બેઠકમાં વિપક્ષે મહિલા અનામતનો મુદ્દો ઊઠાવ્યો હતો. એ પછી કેબિનેટમાં બિલને હવે મંજૂરી આપવામાં આવી છે. બીજેડી નેતા પિનાકી મિશ્રાએ કહ્યું હતું કે, મહિલા અનામત બિલ લાવવામાં આવે અને નવી સંસદમાં એ બિલને પસાર કરવામાં આવે, ઘણા બધા રાજકીયપક્ષોએ આ બિલનું સમર્થન કર્યું હતું. રાજકીય સુત્રોમાંથી આ વાત જાણવા મળી છે.
કોણ કોણ જોડાયા આ બેઠકમાં
કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવતા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીના રૂમમાં બોલાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, અનુરાગ ઠાકુર, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
આઠ બિલની યાદી અપાઈ
ગોયલ અને જોશીનો હવે પીએમ મોદીને મળવાનો પ્લાન છે. રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર દ્વારા વિશેષ સત્રમાં ચર્ચા માટે લાવવામાં આવનાર આઠ બિલોની યાદી વિપક્ષને આપવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓની નિમણૂક અંગેનો વિવાદાસ્પદ ખરડો, જે અગાઉ એજન્ડાનો ભાગ માનવામાં આવતો હતો; વિરોધ વચ્ચે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, જૂની સંસદમાં સોમવારે સંસદની કાર્યવાહીનો છેલ્લો દિવસ હતો. પીએમ મોદીએ જૂની બિલ્ડિંગમાં 50 મિનિટનું છેલ્લું ભાષણ આપ્યું હતું.
દેશના ઈતિહાસનું સાક્ષી
આ દરમિયાન પીએમએ પૂર્વ વડાપ્રધાનોને યાદ કર્યા અને કહ્યું - "આ એ ગૃહ છે જ્યાં પંડિત નેહરુના સ્ટ્રોક ઓફ મિડનાઈટની ગુંજ આપણા બધાને પ્રેરણા આપે છે. આ ગૃહે ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં બાંગ્લાદેશની મુક્તિ સંગ્રામની ચળવળ પણ જોઈ હતી. " જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સુધીના સમયનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે તેમના નેતૃત્વમાં દેશને નવી દિશા આપી છે. આજે તેમની સિદ્ધિઓને ઉજાગર કરવાની તક છે.









