- કોરોના મહામારી બાદ લંગ્સ ઈન્ફેક્શનના કેસમાં અંદાજે 35 ટકા જેટલો વધારો
- ઊંચાઈવાળા વિસ્તારમાં શ્વાસની થતી તકલીફ, પ્રોપર રિપોર્ટ કરાવીને યાત્રાએ જવું હિતાવહ
- ચારધામ યાત્રાથી પરત ફર્યા હોય તેવા લોકોમાં ફેફસાંના ઈન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે
ચારધામ યાત્રાથી પરત ફરતા યાત્રીઓમાં શરદી, ખાંસી, તાવની સાથે ફેફસાંના ઈન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીના સમય ગાળા બાદ અત્યારે કેસમાં અંદાજે 35 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે, જેની પાછળનું કારણ એ છે કે, કોરોના સમયે લોકોના ફેફસાંને સીધી અસર થઈ હતી.
આ સાથે જ ચારધામ યાત્રા વખતે ઊંચાઈ વાળા વિસ્તારમાં શ્વાસ લેવામાં થતી તકલીફ, વરસાદ, લોકોની વધુ ભીડ, ઘોડા-ખચ્ચર ચાલતા હોય ત્યારે ઊડતી રજકણો જેવા કારણ પણ જવાબદાર છે, એટલું જ નહિ પરંતુ ગુજરાત પરત ફરે ત્યારે ગરમ વાતાવરણના અહેસાસ વચ્ચે ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જતું હોવાનું તબીબોનું કહેવું છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોવિડ પછી ફેફસાંના ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. ચારધામ યાત્રાથી પરત ફર્યા હોય તેવા લોકોમાં ફેફસાંના ઈન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે બે દિવસે ઓપીડીમાં આવા એક બે કેસ નોંધાય છે, કોવિડ બાદ ફેફસાંના ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. તબીબોનું કહેવું છે કે, મેથી સપ્ટેમ્બરમાં યાત્રીઓ જતાં હોય છે, આ અરસામાં પરત ફરીને આવનારા લોકોમાં યુવાનથી માંડીને વૃદ્ધ દર્દી સારવાર માટે આવતાં હોય છે. લોકોએ પ્રોપર રિપોર્ટ કરાવીને યાત્રાએ જવું જોઈએ. હૃદય રોગ કે અન્ય ગંભીર બીમારી હોય તેવા કિસ્સામાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ઊંચાઈ વાળા વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ થાય તો ફેફસાં યોગ્ય રીતે કામ કરતા નથી, તેનાથી સ્ટ્રોકનો ખતરો પણ વધે છે. સામાન્ય રીતે ફેફસાંના ઈન્ફેક્શન પાછળ ધુમ્રપાન, ઈમ્યુન સિસ્ટમ નબળી પાડનારા રોગ, વૃદ્ધાવસ્થા વગેરે બાબતો પણ જવાબદાર મનાય છે.
ફેફસાંના ઈન્ફેક્શનથી બચવા શું કરવું?
ફેફસાંના ઈન્ફેક્શનથી બચવા માટે હેલ્ધી ડાયટનું પાલન કરવું જોઈએ. ધુમ્રપાન બંધ કરવું, ચોખ્ખું પાણી પીવું, તણાવ મુક્ત રહેવું, પૂરતી ઊંઘ લેવી, નિયમિત રીતે હળવી કસરત કરવી, પ્રદૂષણથી બચવા માટે પ્રયાસ કરવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી પણ જરૂરી છે. ફેફસાંમાં સંક્રમણ બેક્ટેરિયા, વાયરલ કે ફંગસના કારણે થાય છે. વાયરલ કે બેક્ટેરિયા ફેલાય તો તે ઈન્ફેક્શનનું સ્વરૂપ ધારણ કરે છે. લંગ્સ ઈન્ફેક્શનના મુખ્ય પ્રકારમાં ન્યુમોનિયા, ફલૂ, ટીબી, બ્રોંકાઈટિસ હોય છે.
ફેફસાંમાં ઈન્ફેક્શનનાં લક્ષણો
ખાંસી, કફ સાથે લોહી પડે
શ્વાસ લેવામાં તકલીફ થવી
છાતીમાં દુખાવો થવો
ગળાના ભાગે, માંસપેશીમાં દુખાવો
થોડુંક કામ કરો ને થાક લાગે
ઝાડા ઉલટી થવા
હૃદયની ગતિ વધવી