હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાનના ગુપ્તચર એજન્સીના અધિકારી હસન અલી સાથેની વોટ્સએપ ચેટ્સ સામે આવી છે. આ વાતચીતમાં જ્યોતિ પાકિસ્તાનમાં લગ્ન કરાવવા માટે કહી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, જ્યોતિ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન હસન અલીને મળી હતી. અને તેને વીઆઇપી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. જ્યોતિએ દુશ્મન દેશના મોટાભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અને દેશની સંવેદનશીલ માહિતીઓ આપી છે.
પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા
પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ સાથે જોડાયેલા અધિકારી હસન અલી અને હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ચેટની તપાસ શરુ કરાઇ છે. આ ચેટીંગમાં જ્યોતિ પોતાના લગ્ન પાકિસ્તાનમાં કરાવવા માટે વાતચીત કરી રહી છે. આ વોટ્સએપ ચેટ્સ પર જ્યોતિએ સ્પષ્ટતા નથી આપી. પરંતુ એવું માનવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારે લગ્ન કરવાથી સોશિયલ મીડિયામાં તેની લોકપ્રિયતા વધશે. અને ફોલોવર્સની સંખ્યામાં પણ વધારો થશે. પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, દાનિશની જેમ હસન અલી પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. જ્યોતિ દાનિશના જ કારણે હસન અલીના સંપર્કમાં આવી હતી. પાકિસ્તાનમાં ફરવા માટે તમામ સુવિધાઓ અને બોર્ડીંગ હસન અલીએ જ અપાવી હતી.
જ્યોતિ મલ્હોત્રાનું કબૂલનામું
જ્યોતિ પાસેથી પાકિસ્તાનમાં મોટા ભાગના લોકો સાથે ચેટીંગ કરવાની વાત સામે આવી છે. જ્યોતિએ કહ્યુ છે કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં રહેનારા લોકો સાથે વાત કરતી હતી. અને સંવેદનશીલ માહિતીઓની આપ-લે કરતી હતી. પોલીસ હાલ જ્યોતિના બેન્ક ખાતાની તપાસ કરી રહી છે. જેમાં દુબઇમાં થયેલા નાણાંના ટ્રાન્સફર અંગે માહિતી મળી છે. તેણે કબુલ્યુ છે કે, તે પાકિસ્તાની અધિકારીઓના ઇશારે કામ કરતી હતી.