Indian-American Paramhans Desai police officer wounded in shooting
  • Home
  • Featured
  • અમેરિકામાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, અંગદાન કરી 11 લોકોને જીવતદાન આપ્યું

અમેરિકામાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, અંગદાન કરી 11 લોકોને જીવતદાન આપ્યું

 | 1:14 pm IST
  • Share

  • ફાયરિંગમાં ઘાયલ મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

  • પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની કરપીણ હત્યા થઇ હતી. આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું છે.

પરમહંસ દેસાઈનાં બહેન દિવ્યા દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મારો ભાઈ બહુ નાનો હતો ત્યારથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું જોતો હતો. પરમહંસે પોલીસ બનવા માટે સખત મહેનત કરીને પોતાનું સપનું સાકાર કર્યું હતું. પોલીસ ઓફિસર તરીકેની કામગીરીથી તે ગર્વ અનુભવતો હતો અને પોલીસ ઓફિસરના હોદ્દા પર ફરજ બજાવતી વખતે જ તેનું અવસાન થયું છે.

દિવ્યા દેસાઈએ કહ્યું કે, અમારા પરિવારે પરમહંસનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેનાં અંગોનું દાન કરવાના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે એ વાતનો અમને અત્યંત આનંદ છે. પરમહંસ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેનાં બંને સંતાનો તેનું સર્વસ્વ હતા. પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને 11 વર્ષનો દીકરો ઓમ અને 8 વર્ષનો નમન એમ બે પુત્રો છે. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ સ્થાયી થઇ ગયા હતા.

પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.

ઘટના શું બની હતી?
અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાતી પરમહંસ દેસાઈને ઘરેલું વિવાદમાં હસ્તક્ષેપ કરતી વખતે 22 વર્ષનો જોર્ડન જેક્સન ગોળી મારીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના 4 નવેમ્બરના રોજ બની હતી. હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે. તેમનું ભલે અવસાન થયું છે પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનથી અનેક લોકોના જીવન બચ્યા છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો