indian players withdraw from India Open testing positive covid 19
  • Home
  • Sports
  • Other Sports
  • ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કોરોના વિસ્ફોટ, ભારતના 7 ખેલાડીઓ સંક્રમિત

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કોરોના વિસ્ફોટ, ભારતના 7 ખેલાડીઓ સંક્રમિત

 | 4:08 pm IST
  • Share

  • ભારતના 7 ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા

  • બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને કરી પુષ્ટિ

  • કિદામ્બી શ્રીકાંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દિલ્હીમાં રમાઈ રહેલી વર્ષની પ્રથમ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ઈન્ડિયા ઓપનમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારતના 7 ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને પણ આ વાતની પુષ્ટિ કરી છે.

ભારતના 7 ખેલાડીઓ કોરોના સંક્રમિત

આ વર્ષની પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ ઈન્ડિયા ઓપન 2022માં કોરોના બોમ્બ ફૂટ્યો છે. 7 ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જે બાદ આ તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા છે. આ તમામ ખેલાડીઓને 2 દિવસ પહેલા કોરોના ટેસ્ટ માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે 7 ખેલાડીઓ ઈન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાંથી ખસી ગયા છે. તેમના નામ છે અશ્વિની પોનપ્પા, રિતિકા રાહુલ, ત્રિસા જોલી, મિથુન મંજુનાથ, સિમરન, અમન સિંહ અને ખુશી ગુપ્તા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર કિદામ્બી શ્રીકાંતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને કરી પુષ્ટિ

BWFએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “મંગળવારે ખેલાડીઓનો કોરોના પ્રોટોકોલ હેઠળ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક ડબલ્સ જોડી પણ 7 સંક્રમિતોના સંપર્કમાં હતી. આથી તે ટૂર્નામેન્ટમાંથી પણ ખસી ગઈ હતી. આ તમામ ખેલાડીઓને ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં બદલી શકાશે નહીં. આવી સ્થિતિમાં, તેના વિરોધીઓને આગળના રાઉન્ડમાં સીધો વોકઓવર મળ્યો છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડની મેચો ગુરુવારે રમાશે.

ટૂર્નામેન્ટ પહેલા ભારતના 3 ખેલાડીઓ સંક્રમિત

ટૂર્નામેન્ટ પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. ત્રણ મોટા ખેલાડીઓ બી સાઈ પ્રણીત, મનુ અત્રી અને ધ્રુવ રાવતને કોરોના વાયરસના ચેપને કારણે ટુર્નામેન્ટ પહેલા જ હટી જવું પડ્યું હતું. એટલું જ નહીં, ડબલ્સ ખેલાડી સીન વેન્ડી અને કોચ નાથન રોબર્ટસનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઈંગ્લેન્ડની આખી ટીમ પણ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી.

સિંધુ-સાઈના બીજા રાઉન્ડમાં પહોંચી

ઈન્ડિયા ઓપન એ BWF વર્લ્ડ ટૂર સુપર 500 નો ભાગ છે. 11 થી 16 જાન્યુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત વિશ્વના ઘણા મોટા શટલર્સ ભાગ લઈ રહ્યા છે. આ પહેલા ઈન્ડિયા ઓપનના બીજા દિવસે સાઈના નેહવાલ, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોયે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી હતી. આ સાથે જ પીવી સિંધુએ પણ બીજા રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ટુર્નામેન્ટમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ

ઈન્ડિયન ઓપન 2022, જેનું આયોજન બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમના KD જાધવ ઈન્ડોર હોલમાં યોજાઈ રહ્યું છે. ટૂર્નામેન્ટમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. કોરોના પ્રોટોકોલ મુજબ તમામ ખેલાડીઓ, કોચની હોટલ અને સ્ટેડિયમની બહાર દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બુધવારે દિલ્હીમાં કોરોનાના 27 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોના રોગચાળો શરૂ થયા બાદ આ બીજી વખત છે જ્યારે એક દિવસમાં આટલા દર્દીઓ મળી આવ્યા છે. બુધવારે પણ 40 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો