International Day for Natural Disaster Reduction: Accurate Forecasting Blessings from Technology
  • Home
  • Featured
  • ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન: ટેક્નોલોજીથી સચોટ આગાહી આશીર્વાદ સમાન

ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન: ટેક્નોલોજીથી સચોટ આગાહી આશીર્વાદ સમાન

 | 8:04 am IST
  • Share

  • ટેક્નોલોજીથી સચોટ આગાહી માનવસૃષ્ટિ માટે આશીર્વાદ સમાન
  • વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આફતોની અગાઉથી માહિતી મળતી થતાં જાનહાનિ ઘટાડવામાં સફળતા મળી
  • કુદરતી હોનારત વેળાં રેસ્ક્યુ કામગીરી માટે NDRFની રચના

ચંદ્ર પર વસવાટની શક્યતા ચકાસી રહેલા વૈજ્ઞાનિકોએ તોફાની વરસાદ, વાવઝોડું, સુનામી, પૂર, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોની આગોતરી જાણકારી માટે વિકસાવેલી અદ્યતન ટેક્નોલોજી આજે માનવસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થઇ રહી છે. આ કુદરતી આફતોને રોકવી કાળા માથાના માનવીના ગજા બહારની વાત છે, પરંતુ આ આફતો અંગે એડવાન્સમાં સચોટ માહિતી મળતી થતાં તેનાથી થતાં વ્યાપક નુકસાન અને જાનહાનિની સંખ્યા ઘટાડવામાં ચોક્કસ સફળતા મળી છે.

13મી ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શનની ઉજવણી કરવામાં આવે છે. કુદરતી આફતોને અટકાવી તો શકાતી નથી, પરંતુ આ આફતોથી ઓછામાં ઓછું નુકસાન કે જાનહાનિ થાય તે દિશામાં પ્રયાસ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભારતમાં કુદરતી આફતોની આગોતરી જાણકારી માટે વિકસાવાયેલી અદ્યતન ટેક્નોલોજી આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે. વાવાઝોડું, સુનામી, વરસાદ, પૂર જેવી આફતોથી અગાઉથી માહિતી મળી જતાં તેનાથી થનારા નુકસાનને મહદઅંશે ઘટાડી શકાયું છે.

કુદરતી હોનારત વેળાં રેસ્ક્યુ કામગીરી માટે NDRFની રચના

પહેલાના સમયમાં કુદરતી આફત આવે તો ફાયરબ્રિગેડ અથવા અર્ધલશ્કરીદળના જવાનોને મદદ માટે બોલાવાતા હતા, પરંતુ સરકારે કુદરતી હોનારત સામે લડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રચના કરી હતી. આ ફોર્સને આવી હોનારતો સમયે કામગીરી કરવા સ્પેશિયલ તાલીમ આપવામાં આવી છે. તેમજ જ્યાં પણ પૂર, વાવાઝોડું કે અન્ય કોઇ કુદરતી હોનારતની આગાહી કરવામાં આવે ત્યાં NDRFને પહેલાથી જ તહેનાત કરી દેવામાં આવે છે.

તૌકતે વાવાઝોડું તાજેતરનું જ ઉદાહરણ

તોકતે વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તકરાશે તેવી આગાહી કરાઇ હતી. આગાહી અનુસાર સુરતમાં લોન્ડ ફોલ થયું પણ હતું. જોકે, હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી દેતાં તંત્ર એલર્ટ થઇ ગયું હતું. તેમજ સુરત તથા આસપાસના વિસ્તારમાં દરિયા કિનારે કે કાચા-પાકા મકાનમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં તમામ સરકારી વિભાગના કર્મચારીઓને સ્ટેડ ટુ રહેવા આદેશ જારી કરી દેવાયો હતો. તંત્રના આગોતરા આયોજનથી મોટું નુકસાન અટકાવી શકાયું હતું.

વરસાદની આગાહીએ સુરતને બે-બે વખત પૂરથી બચાવ્યું

મોન્સૂન 2020 અને 2021માં ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ૨૦૨૦માં ડો. ધવલ પટેલ કલેક્ટર તરીકે હતા. તે સમયે ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થયો હતો. આ સાથે જ ઉકાઇના આસપાસના વિસ્તાર અને સુરતમાં પણ ભારે વરસાદ હતો. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇ તાત્કાલિક પાણી છોડવાનું શરૂ કરી દીધું હતું. પાણી વધુ છોડાતા પૂર આવશે તેવી અફવાએ વેગ પકડયું હતું. પરંતુ કલેક્ટરે બાજી સંભાળી લીધા હતા. તેવી જ રીતે સપ્ટેમ્બર 2021ના અંતમાં પણ ગુલાબ વાવાઝોડાને લીધે ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદ પડયો, જેને લીધે ડેમમાં 5000 MCMથી વધુ પાણી આવ્યું પરંતુ કલેક્ટર આયુશ ઓકે પહેલાથી પાણી છોડવા નિર્ણય લઇ ડેમની સપાટી બે ફૂટ ઘટાડી દેતાં વધુ એક વખત પૂરનું સંકટ ટળ્યું હતું.

આ કારણોસર ‘નેચરલ ડિઝાસ્ટર રિડક્શન દિવસ’ ઉજવાય છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાઈટેડ નેશન્સ) દ્વારા વર્ષ 2015માં નક્કી કરાયું હતું કે, વિકાસશીલ દેશોને સૌથી મોટું જાનમાલનું નુકસાન કુદરતી આપત્તિઓને લીધે વેઠવું પડે છે. એટલે વિકાસશીલ દેશોએ ભેગા મળીને કુદરતી આપત્તિઓના જોખમને શક્ય તેટલું ઓછું કરી શકાય તે માટેને પ્રયત્નો માટે એકજૂટ થવું. તે માટેના સામૂહિક કાર્યોનો એજન્ડા પણ તૈયાર કરાયો છે. આ દિશામાં સામૂહિક વિચારમંથન અને કાર્યવાહી થાય તે માટે 13મી ઓક્ટોબરને ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન તરીકે મનાવવાનું નક્કી કરાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો