IPL 2026માં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાનારો ક્વોલિફાયર-2 મુકાબલો ગુજરાત ટાઇટન્સ માટે અત્યંત મહત્વનો છે. આ મેચમાં જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચની પૂર્વસંધ્યાએ ન્યૂ ચંડીગઢમાં આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત ટાઇટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે આ હાઇ-સ્ટેક્સ મેચને લઇને ટીમની રણનીતિ શેર કરી હતી.


વૈભવ સૂર્યવંશીની જબરદસ્ત પ્રશંસા કરી


પાર્થિવ પટેલે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની જબરદસ્ત પ્રશંસા કરી હતી. વૈભવ સૂર્યવંશીએ હાલમાં જ એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર 29 બોલમાં 12 સિક્સર સાથે 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી છે. પાર્થિવ પટેલે સ્વીકાર્યું કે, વૈભવ સૂર્યવંશી હાલમાં શાનદાર ફોર્મમાં છે, અને તેની બેટિંગે બધાને પ્રભાવિત કર્યા છે.

વૈભવ સૂર્યવંશી માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે

ગુજરાતની રણનીતિ અંગે વાત કરતા પાર્થિવ પટેલે હસતા હસતા કહ્યું કે, વૈભવ સૂર્યવંશી અદ્ભુત પ્રતિભા છે અને જે રીતે રમી રહ્યો છે, તે જોવાની મજા આવે છે. અમે તેના વીડિયો જોયા છે, અને ખાસ પ્લાન તૈયાર કર્યો છે. વિરોધી ટીમના દ્રષ્ટિકોણથી અમે આશા રાખીએ છીએ કે, શુક્રવારના મુકાબલામાં વૈભવ ન ચાલે અને અમે તેને વહેલી તકે આઉટ કરી દઈએ. પાર્થિવે વધુમાં ઉમેર્યું કે, રાજસ્થાનની ટીમ ખૂબ જ સંતુલિત છે અને સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે.

મુખ્ય ખેલાડીઓ પર વિશ્વાસ

આ મહત્વપૂર્ણ મેચ પહેલા આસિસ્ટન્ટ કોચે ઓલરાઉન્ડર જેસન હોલ્ડર પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હોલ્ડર ટીમ મેનેજમેન્ટની અપેક્ષાઓ પર ખરો ઉતાર્યો છે અને તેનો અનુભવ તેમજ ઓલરાઉન્ડ ક્ષમતા પ્લેઓફની મેચમાં ટીમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત, તેમણે સ્ટાર સ્પિનર રાશિદ ખાનને વિશ્વસ્તરીય બોલર ગણાવ્યો હતો. પાર્થિવના જણાવ્યા અનુસાર, રાશિદ ઈજામાંથી વાપસી કર્યા બાદ સતત લય પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને આ મહત્વની મેચમાં તે પોતાની ઘાતક બોલિંગથી મેચનું પાસું પલટી શકે છે. મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડા જેવા ઝડપી બોલરો સાથે ગુજરાતની ટીમ રાજસ્થાનના બેટિંગ ઓર્ડરને વહેલી તકે તોડવા મેદાનમાં ઉતરશે.


આ પણ વાંચો - Vaibhav Suryavanshiની ધૂઆંધાર બેટિંગ પર ફિદા થયું પાકિસ્તાન, પૂર્વ ક્રિકેટરે પ્રેમથી આપ્યું આ અનોખું નામ!