તમારા કર્જનું કારણ વાસ્તુદોષ તો નથીને? જાણીને તાત્કાલીક કરો ઉપાય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • તમારા કર્જનું કારણ વાસ્તુદોષ તો નથીને? જાણીને તાત્કાલીક કરો ઉપાય

તમારા કર્જનું કારણ વાસ્તુદોષ તો નથીને? જાણીને તાત્કાલીક કરો ઉપાય

 | 7:50 am IST
  • Share

વાસ્તુશાસ્ત્ર

દેવાંમાં ડૂબેલા માણસને રાત કે દિવસે ચેન નથી મળતું. એની રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે ઉધાર લીધેલાં નાણાં સમય પર ન ચૂકવી શકવા બદલ મોટામાં મોટી વ્યક્તિની પ્રતિષ્ઠા પણ ધૂળમાં મળી જાય છે.

કર્જ એક એવો શબ્દ છે, જેને સાંભળતા જ મનમાં એક ગ્લાનિ પેદા થાય છે. દેવાંમાં ડૂબેલો માણસ સદાય માનસિક તણાવ અને દબાણ અનુભવે છે. એને મનમાં સદાય એક જ ચિંતા હોય છે કે આ દેવું ક્યારે ઓછું થશે? કોઈપણ વ્યક્તિ ઈચ્છતો નથી કે એને દેવું કરવું પડે, પરંતુ ક્યારેક સંજોગો એવા પેદા થાય છે કે તેને કર્જ લેવું પડે છે. અહીં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિની ઈચ્છા ન હોય છતાંય દેવું વધી રહ્યું હોય તો એનું કારણ તેના ઘરમાં વાસ્તુદોષ પણ હોઈ શકે છે. વાસ્તુ સંબંધિત નીચેનાં તથ્યો પર ધ્યાન આપીને ઋણ (દેવાં)થી બચી શકાય છે.

કર્જથી બચવા માટે ઉત્તર તથા દક્ષિણની દીવાલ બિલકુલ સીધી બનાવવી. ખોટી દીવાલ બનાવવાથી ધનની કમી અનુભવાય છે. ઉત્તરની દીવાલ સૌથી નીચી, પાતળી અને હળવી હોવી જોઈએ અને એનો કોઈપણ ખૂણો કપાયેલો કે ઓછો ન હોવો જોઈએ.

વિશાળ ભવનોની વચ્ચે આવેલો ભૂખંડ ક્યારેય ન ખરીદવો. ચારે બાજુ ઈમારતોથી ઘેરાયેલો ભૂખંડ ઘોર ગરીબી અને કર્જમાં ફસાવી દે છે. બહુમાળી ઈમારતોની વચ્ચેનો ભૂખંડ પણ કર્જ અને ઘોર ગરીબીનો સૂચક છે.

જો કર્જથી પરેશાન હોવ તો ઈશાન કોણને ૯૦ ડીગ્રીથી ઓછો કરી નાખો. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભાગમાં ભૂમિગત ટેન્ક કે ટાંકી બનાવી દેવી. ટાંકીની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અનુરૂપ આવક વધશે. ઉત્તર-પૂર્વનું તળ ઓછામાં ઓછું ૨થી ૭ ફૂટ ઊંડું કરાવવું. દક્ષિણ-પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં ભૂમિગત ટેન્ક કૂવો કે નળ હોય તો ઘરમાં ગરીબીનો વાસ રહે છે.

ઉત્તર દિશા તરફ જેટલો વધુ ઢાળ હશે, સંપત્તિમાં એટલો વધારો થશે. જો દેવાંના કારણે દુઃખી હોવ તો ઢાળ ઈશાન કોણ તરફ કરાવી નાખો, તરત જ કરજમાંથી છુટકારો મળશે.

પૂર્વ તથા ઉત્તર દિશામાં ભૂલથી પણ કોઈ ભારે વસ્તુને ન રાખવી. આ બંને દિશાઓમાં કોઈ ફોટો કે કેલેન્ડર સુધ્ધાં ન લગાવવાં, નહીં તો તમારે દેવું, નુકસાન કે ખોટનો સામનો કરવો પડશે.

ભવનની મધ્યમાં (આંગણામાં) અંડરગ્રાઉન્ડ ટેન્ક કે બેઝમેન્ટ (ભોંયરું) ન બનાવવું. મકાનનો મધ્ય ભાગ થોડો ઊંચો રાખવો. એને નીચો રાખવાથી સઘળું વેરવિખેર થઈ જશે.

દેવું હોય તો ઉત્તર દિશાની દીવાલને તોડીને દક્ષિણ દિશાની દીવાલને નાની કરવી. જો એ અગાઉથી નાની હોય તો વધુ નાની કરી નાખો અથવા દક્ષિણ દિશાની દીવાલ ઊંચી કરી દેવી. એ ઉપરાંત ભવનના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પિત્તળ કે તાંબાનો ઝંડો લગાવવો.

ઉત્તર કે પૂર્વની દીવાલ પર ઉત્તર-પૂર્વ તરફ દર્પણ લગાવવું લાભદાયક છે. દર્પણની ફ્રેમ પર કે દર્પણની પાછળ લાલ, સિંદૂરી કે મરુન રંગ ન હોવો જોઈએ. દર્પણ જેટલું હળવું અને મોટા આકારનું હશે એટલું લાભદાયક હશે. વ્યાપાર ઝડપથી આગળ વધશે અને દેવું સમાપ્ત થઈ જશે. દક્ષિણ કે પશ્ચિમની દીવાલ પર દર્પણ લગાવવું હાનિકારક છે. દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર કે મધ્યભાગની ચમકતી ફર્શ કે દર્પણ ઊંડાઈ દર્શાવે છે, જે ધનનો વિનાશ સૂચવે છે. ફર્શ પર મોટી જાજમ, બિછાનું વગેરે પાથરીને કર્જ અને દેવાળિયાપણામાંથી મુક્ત થઈ શકાય છે.

સીડી ક્યારેય પૂર્વ કે ઉત્તરની દીવાલમાં ન બનાવવી. માળિયાનું વજન દક્ષિણ કે પશ્ચિમી દીવાલ પર જ આવવું જોઈએ. આવું ન કરવાથી આવક, ધન અને લાભનાં સાધન સમાપ્ત થઈ જાય છે. સીડી સદાય ‘ક્લોક વાઈઝ’ દિશામાં લગાવવી. દેવાંથી બચવા માટે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ચઢવું.

સીડી હંમેશાં દક્ષિણ કે પશ્ચિમી દીવાલના સહારે બનાવવી, ભલે એ ભવનના ઉત્તરી કે પૂર્વી ભાગમાં કેમ ન હોય. સીડીનું પહેલું પગથિયું ક્યારેય પણ મુખ્ય દરવાજામાંથી દેખાવું ન જોઈએ, જો એમ થશે તો લક્ષ્મી ઘરની બહાર ચાલી જશે.

કર્જમાંથી છુટકારો મેળવવા માટે દરવાજા હંમેશાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

જે મકાનમાં વચ્ચે ક્યાંય પણ ત્રણ કે ત્રણથી વધુ દરવાજા હોય તો એની વચ્ચે કદીય ન બેસવું. નહીં તો જ્ઞાનનો ખજાનો લૂંટાવાની સાથે તિજોરી પણ ખાલી થઈ જશે.

જો મુખ્ય દ્વાર કે ભવન પર ઝાડ, ટેલિફોન કે વીજળીનો થાંભલો કે અન્ય કોઈ વસ્તુનો પડછાયો પડી રહ્યો હોય તો તરત જ એને દૂર કરી નાખવું અથવા પાકુઆ (એક દર્પણ) લગાડી દેવું.

મુખ્ય દ્વારની પાસે એક નાનું દ્વાર બનાવો તો પણ કર્જથી છુટકારો મળશે.

દેવાંમાંથી છુટકારો મેળવવા માટે પૂર્વ દિશા તરફ એક કે બે બારીઓ બનાવી એને વધુ ને વધુ ઉઘાડી રાખવી.

રંગ પણ પોતાનો પ્રભાવ પાડે છે. લાલ રંગ અને (મરુન) રંગથી બચવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન