કૃષ્ણ જન્માષ્ટમી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઉપવાસ કરીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાત્રે કનૈયાનો જન્મ થયા બાદ પૂજામાં 56 ભોગ ધરાવવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે છપ્પન ભોગથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ 56 ભોગ કેવી રીતે શરૂ થઇ અને તેની પાછળની પૌરાણિક કથા શું છે?


જન્માષ્ટમી પર 56 ભોગની દંતકથા

એક દંતકથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ તેમના બાળપણમાં માતા યશોદા સાથે રહેતા હતા ત્યારે તેમની માતા તેમને દિવસમાં 8 વખત પોતાના હાથથી તેમને જમાડતા હતા, જેથી કૃષ્ણ પેટભરીને જમી શકે. એકવાર વ્રજવાસીઓ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા હતા. કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ કાર્યક્રમ શા માટે યોજવામાં આવે છે, તો તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્વર્ગના ભગવાન ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ તેમને સારો વરસાદ અને સારો પાક થશે. ત્યારે કૃષ્ણે કહ્યું જ્યારે વરસાદ પાડવાનું કામ ઇન્દ્રદેવનું છે તો પછી તેમની પૂજા શા માટે કરવી. જો તમારે પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની પૂજા કરો કારણ કે તેમાંથી ફળ અને શાકભાજી મળે છે અને પ્રાણીઓને ચારો મળે છે. પછી બધાને કૃષ્ણની વાત યોગ્ય અને તાર્કિક લાગી. બધાએ ઈન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરી.

ઇન્દ્રદેવને લાગ્યું કે આ તેમનું ઘોર અપમાન છે. તેઓ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં ભારે વરસાદ કર્યો, સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું. જ્યારે પાણી વધવા લાગ્યું ત્યારે કૃષ્ણે કહ્યું કે ગોવર્ધનના આશ્રયમાં જાઓ તે આપણને ઈન્દ્રના પ્રકોપથી બચાવશે. કૃષ્ણજીએ સમગ્ર ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડી લીધો અને સમગ્ર વ્રજની રક્ષા કરી. પછીના સાત દિવસ સુધી ભગવાન કૃષ્ણએ કંઈપણ ખાધા વિના ગોવર્ધન પર્વત ઉપાડ્યો. જ્યારે 8મા દિવસે વરસાદ બંધ થયો અને બધા ગોવર્ધનના આશ્રયમાંથી બહાર આવ્યા. ત્યારબાદ બધાએ વિચાર્યું કે કૃષ્ણે સતત 7 દિવસ સુધી તેમને આપણને વરસાદથી બચાવ્યા અને કંઈ ખાધું કે પીધું પણ નથી. ત્યારબાદ માતા યશોદા સહિત વ્રજવાસીઓએ કન્હૈયા માટે કુલ 56 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી, જેમાં દરરોજના આઠ પ્રહર પ્રમાણે સાત દિવસનો સમાવેશ થાય છે. આ રીતે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ ચઢાવવામાં આવે છે.

છપ્પન ભોગની વાનગીમાં શું હોય છે

ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરેલ છપ્પન ભોગમાં ભાત, સૂપ, ચટણી, કઢી, દહીં શાકની કઢી, શિખંડ, શરબત, બાલકા, ઇક્ષુ, બટક, મઠરી, ફેણી, પુડી, ખાજલા, ઘેવર, માલપુઆ, ચોલા, જલેબી, મેસુ, રસગુલ્લા. ખીર, મહારાયતા, થૂલી, લવિંગપુરી, ખુરમા, દલિયો, પરીખા, વરિયાળી બિલસારૂ, લાડુ, લીલોતરી, અધોના અથાણું, મોઠ, ખીર, દહીં, માખણ, મલાઇ, રબડી, પાપડ, ગાયનું ઘી, શીરો, લસ્સી, સુવત, મોહનથાળ , સોપારી, એલચી, ફળ, તાંબુલ, મોહન ભોગવગેરેનો સમાવેશ થાય છે. 

  • Follow us on: