જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દેશભરમાં મંદિરો અને ઘરોમાં ભગવાન લાડુ ગોપાલના સ્વાગત માટે ખાસ તૈયારીઓ શરૂ થઈ જાય છે. પૂજા-અર્ચના અને સજાવટ સાથે મંદિરની સ્વચ્છતાનું પણ વિશેષ મહત્વ હોય છે. સામાન્ય રીતે પૂજામાં પિત્તળ, તાંબા અને કાંસાના વાસણોનો ઉપયોગ થાય છે, જે સમય જતાં કાળા પડી જાય છે અને પોતાની ચમક ગુમાવી દે છે. તહેવારના દિવસે દોડધામ ન થાય તે માટે જન્માષ્ટમી પહેલા જ કેટલાક ઘરેલું નુસખા અપનાવીને વાસણોને નવા જેવા ચમકાવી શકાય છે.
આ ઘરેલુ નુસખા ચમકાવશે વાસણો
૧. મીઠું અને લીંબુનો ઉપયોગ
તાંબા અને પિત્તળની પૂજા થાળી, ઘંટડી અને કળશ જેવા વાસણો સાફ કરવા માટે મીઠું અને લીંબુ અત્યંત અસરકારક છે. વાસણ પર થોડું મીઠું છાંટો અને અડધા કાપેલા લીંબુ વડે તેને હળવા હાથે ઘસો. આનાથી ધાતુ પર જામી ગયેલી કાળાશ દૂર થશે. સાફ કર્યા પછી વાસણોને પાણીથી ધોઈને સુતરાઉ કપડાથી બરાબર લૂછી લો જેથી પાણીના ડાઘ ન પડે.
૨. આમલીની પેસ્ટ
જૂના અને વધુ પડતા કાળા પડી ગયેલા વાસણો માટે આમલી ઉત્તમ ઉપાય છે. ગરમ પાણીમાં આમલી પલાળી તેનો ઘટ્ટ પલ્પ (ગર્ભ) તૈયાર કરો. આ પેસ્ટને વાસણો પર લગાવીને ૧૦ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સ્ક્રબરથી હળવેથી ઘસીને પાણીથી ધોઈ લો. વાસણો તરત જ ચમકી ઉઠશે.
૩. વિનેગર અને લિક્વિડ સોપ
એક બાઉલમાં થોડું પાણી, લિક્વિડ ડિશ સોપ અને વિનેગરના થોડાં ટીપાં ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં તાંબા, પિત્તળ કે કાંસાના વાસણોને થોડી મિનિટો સુધી પલાળી રાખો. ત્યારબાદ સ્પોન્જ કે હાથથી ઘસીને પાણી વડે સાફ કરી લો.
૪. બેકિંગ સોડાની પેસ્ટ
બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાસણો પર લગાવી થોડી મિનિટો રહેવા દો. પછી તેને ઘસીને ધોઈ નાખો. આ નુસખાથી પણ વાસણોની ખોવાયેલી ચમક પાછી આવી જશે.
વાસણો માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત
વાસણો સાફ કર્યા પછી તેને પાણીથી ધોઈને નરમ અને સૂકા સુતરાઉ કપડાથી બરાબર કોરા કરી લો. જો વાસણમાં ભેજ રહી જશે તો ધાતુ હવાની સાથે પ્રક્રિયા કરીને ફરીથી કાળી પડી શકે છે. જન્માષ્ટમી પર શાનદાર ઉજવણી કરવી હોય પરંતુ જો ઘરમાં જ સ્વચ્છતા અને શુદ્ધતા ના હોય તો પ્રભુ પ્રસન્ન થતા નથી. ઘરનું મંદિર અને તેમાં ઉપયોગમાં લેવાતા વાસણોની સફાઈ જરૂર કરવી જોઈએ. જન્માષ્ટમી પહેલા જ તમે આ કામ કરી લેશો તો તહેવારની ઉજવણી શાનદાર રીતે કરી શકશો.
આ પણ વાંચો : Diet For Liver: લીવર માટે વરદાન રૂપ છે આ શાકભાજી, ડાયટમાં આજે જ કરો સામેલ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )