કાશ્મીરી યુવકોનાં હાથમાં લેપટોપ હોવા જોઈએ પથ્થર નહીં : મોદી - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરી યુવકોનાં હાથમાં લેપટોપ હોવા જોઈએ પથ્થર નહીં : મોદી

કાશ્મીરી યુવકોનાં હાથમાં લેપટોપ હોવા જોઈએ પથ્થર નહીં : મોદી

 | 5:09 am IST

આલીરાજપુર, મધ્ય પ્રદેશ

આઝાદીનાં ૭૦ વર્ષ : જરા યાદ કરો કુરબાની કાર્યક્રમની શરૂઆત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે શહીદ ચંદ્રશેખર આઝાદનાં જન્મસ્થળ ભાભરા ગયા હતા. તેમણે શહીદ આઝાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાશ્મીર હિંસા અંગે ૩૨ દિવસ બાદ મૌન તોડતાં મોદીએ કહ્યું હતું કે જે બાળકો અને યુવકોનાં હાથમાં અત્યારે લેપટોપ, પુસ્તકો અને બેટ હોવા જોઈએ અને કંઈક કરી બતાવવાનાં સપના હોવા જોઈએ તેમનાં હાથમાં પથ્થરો જોઈને મને દુઃખ થાય છે. જે આઝાદી ભારતને છે તે જ આઝાદી કાશ્મીરને પણ છે જ. આપણે તેને સ્વર્ગ બનાવવું જ જોઈએ. અમે કાશ્મીરમાં શાંતિ અને વિકાસ ઈચ્છીએ છીએ. કાશ્મીરીઓ વેપાર-ઘંધા માટે અને નોકરી માટે જે કંઈ ઈચ્છશે તેવી મદદ તેમને કરવામાં આવશે. વાજપેયીએ કાશ્મીરનાં વિકાસ માટે જે પગલાં લીધા હતા તે માર્ગે અમે જવા માગીએ છીએ. વાજપેયીએ ઝમ્હૂરિયત સાથે ઈન્સાનિયતનો માર્ગ અપનાવ્યો હતો. ઇન્સાનિયતને નુકશાન નહીં પહોંચે એની તકેદારી રખાશે. ભારતે પાકિસ્તાનના ઉચ્ચયુક્તને તેડાવી કાશ્મીરમાં હિંસાને પ્રોત્સાહન આપવાના પુરાવા આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઝાદીના ૭૦ અને ભારત છોડો આંદોલનના ૭૫ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે જરા યાદ કરો કુરબાની નામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. જેમાં ૭૫ પ્રધાનોને દેશમાં ૧૫૦ સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે. જ્યાં શહીદોનાં સ્મારકો હોય કે શહીદોનાં જન્મસ્થળ હોય ત્યાંની તેઓ મુલાકાત લેશે. આમાં રાજનાથસિંહ ઝારખંડ જશે. જેટલી જલિયાંવાલા બાગ જશે અને અમિત શાહ ૧૩ ઓગસ્ટે કાકોરીમાં સભા યોજશે. આ કાર્યક્રમ દ્વારા દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ ઔસર્જવામાં આવશે.

કેટલાક ભટકી ગયેલા લોકો કાશ્મીરની મહાન પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે

કાશ્મીરમાં કેટલાક મુઠ્ઠીભર લોકો ભટકી ગયેલા છે અને ત્યાંની મહાન પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે. હું કાશ્મીરનાં યુવાનોને હાકલ કરું છું કે આવો આપણે સાથે મળીને તેને સ્વર્ગ બનાવીએ. દેશમાં આઝાદીની જે શક્તિ દેશને મળી છે તે જ કાશ્મીરને મળી છે. આપણે કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. ત્યાંની સરકારનાં પ્રયાસોથી જ અમરનાથ યાત્રા ચાલી રહી છે.

મોદીએ આઝાદ વિશે કહ્યું હતું કે જેમણે આઝાદ ભારતનું સપનું જોયું અને જે સંકલ્પ લીધો તેને આજે આપણે પૂરો કરવાનો છે. અનેક મહાપુરૂષોએ દેશને આઝાદ બનાવવા તેમની તમામ શક્તિ દેશ માટે સર્મિપત કરી હતી. આપણે તેમને યાદ કરીને તેમનાં સપના સાકાર કરવાનાં છે. મધ્ય પ્રદેશ સરકારે આઝાદનો જન્મ જે મકાનમાં થયો હતો તેને આઝાદ સ્મૃતિ મંદિર નામ આપ્યું છે. મોદીએ અહીં આઝાદની પ્રતિમા અને સ્મારકને ફૂલહાર કર્યા હતા અને રેલીને સંબોધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન