Kharif crops damage in Saurashtra Region due to heavy rainfall
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંદેશ ડિજિટલ વિશેષ: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોનો ખરીફ પાકનો કોળિયો છીનવાયો

સંદેશ ડિજિટલ વિશેષ: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોનો ખરીફ પાકનો કોળિયો છીનવાયો

 | 3:40 pm IST
  • Share

– કપાસ, મગફળી, કઠોળ તથા તલના પાકને 25-30 ટકા નુકસાન
– અનિયમિત વરસાદના કારણે મોટા ભાગના પાકોમાં વાવેતર પણ 10 ટકા સુધી ઘટ્યાં હતા
– કાપણીનો સમયગાળો નજીક હતો અને ભારે વરસાદ થતા મોટી નુકસાની થશે
– જામનગર, જૂનાગઢ જિલ્લામાં વાવણી લાયક 25-30 ટકા વિસ્તારોમાં જમીનનું ધોવાણ

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે મોટા પાયે નુકસાની પહોંચી છે. ખેડૂતોના હાથમાં આવેલ પાકનો કોળિયો વરસાદે છીનવી લીધો છે. જામનગર, રાજકોટ, પોરબંદર તથા જૂનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદથી કપાસ, મગફળી, કઠોળ તથા તલના પાકને 25-30 ટકા નુકસાન પહોંચ્યું હોવાનું કૃષિ તજજ્ઞોનું કહેવું છે. જોકે, હજુ એકાદ-બે દિવસ બાદ પાકની વાસ્તવિક્તાનો ખ્યાલ આવશે. મગફળી, કઠોળ તથા તલના પાકની કાપણીનો સમયગાળો નજીક હતો અને ભારે વરસાદ થવાના કારણે આ પાકને મોટી નુકસાની પહોંચી છે. આ ઉપરાંત કપાસના છોડમાં ફૂલ ખરી જવા સાથે અમુક જગ્યાએ કપાસ તૈયાર હતો અને વરસાદ થતા પહેલો પાક નિષ્ફળ ગયાના અહેવાલ છે.

હવામાન ખાતાએ ચાલુ વર્ષે વહેલા અને સારા ચોમાસાની આગાહી કરી હતી પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિનું કાંઇક અલગ જ નિર્માણ થયું હતું. વહેલો વરસાદ ન થયો અને સમયસર પણ વરસાદ ન થવાના કારણે ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો થવા સાથે નુકસાન પણ રહ્યું છે. ગુજરાત સરકારના અહેવાલ મુજબ 13 સપ્ટેમ્બર સુધીમાં કુલ 82.83 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 85.11 લાખ હેક્ટરમાં રહ્યું હતું. વાવેતર વિસ્તાર ઘટવા સાથે વરસાદની અનિયમિતતાના કારણે પહેલેથી જ ઉત્પાદન 20-25 ટકા નબળું રહેશે તેવું મોટા ભાગના અગ્રણી ખેડૂતો કહેતા હતા. હવે જ્યારે કાપણીનો સમય હતો અને વરસાદ થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લેતા નુકસાનીનો અંદાજ વધી જશે.

કપાસમાં ખેડૂતોને ગત સીઝનના અંતમાં મણ દીઠ રૂ.1500-1600થી વધુના ભાવ મળ્યા હતા જેના કારણે વાવેતર વહેલા કર્યા હતા અને પાક તૈયારીમાં હતો ત્યારે વરસાદ થતા પાક ધોવાઇ ગયો છે. હવે બીજી વીણી માટે ખેડૂતોએ સરેરાશ એકાદ મહિનાનો સમય લાગશે. મગફળીમાં પણ તૈયાર પાક પર વરસાદથી નુકસાન છે. જે વિસ્તારમાં ભારે વરસાદ નથી ત્યાં વરરસાદી વાતાવરણના કારણે ફૂગનો રોગ લાગુ પડ્યો છે જેથી હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી શકે છે.

(નોંધ : નુકસાનની ટકાવારી અંદાજિત)

જમીનનું ધોવાણ થયેલ વિસ્તારમાં સંપૂર્ણ નુકસાન
ભારે વરસાદ ધરાવતા ગામોમાં જે ખેતરોમાં પૂરની સ્થિતિ હતી ત્યાં જમીનનું ધોવાણ થઇ ચૂક્યું છે અને આ વિસ્તારમાં સંપૂર્ણ પાકને નુકસાન થશે તેમ કહેવું ખોટું નથી. જ્યારે અન્ય વિસ્તારોમાં આગામી બે દિવસમાં પાણી ભરાયાની સ્થિતિ કેવી રહે છે તેના પર નુકસાનનો અંદાજ ખ્યાલ આવશે. ચાર જિલ્લામાં સરેરાશ મગફળીના પાકને 30-35 ટકા, કપાસને 40-45 ટકા, કઠોળ તથા તલ પાકને અંદાજે 40-45 ટકા નુકસાન થયાનો અંદાજ છે. – રમેશ ભોરણીયા, અગ્રણી ખેડૂત નિષ્ણાત

ખરીફ પાક નિષ્ફળ પરંતુ શિયાળુ પાક માટે ફાયદાકારક
ભલે, ખરીફ પાકને મોટા પાયે નુકસાની પહોંચી હોય પરંતુ વરસાદની સરેરાશ 50-60 ટકા ઘટ હતી જે ચાર જિલ્લામાં પૂર્ણ થઇ ચૂકી છે જેના કારણે શિયાળુ તથા આગામી ઉનાળુ પાક માટે પાણીની અછત નહીં રહે અને વાવેતર અને પાક સારા થશે તેવું ચિત્ર સર્જાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન