કિડની કૌભાંડમાં હીરાનંદાની હોસ્પિટલના સીઇઓ સહિત પાંચ ડોક્ટરોની ધરપકડ - Sandesh
  • Home
  • India
  • કિડની કૌભાંડમાં હીરાનંદાની હોસ્પિટલના સીઇઓ સહિત પાંચ ડોક્ટરોની ધરપકડ

કિડની કૌભાંડમાં હીરાનંદાની હોસ્પિટલના સીઇઓ સહિત પાંચ ડોક્ટરોની ધરપકડ

 | 4:47 am IST

મુંબઈ, તા. ૯

પવઈની ડો. એલ. એચ. હીરાનંદાની હોસ્પિટલમાં પકડાયેલા ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડમાં પોલીસે પાંચ ડોક્ટરોની આજે ધરપકડ કરી હતી. પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં થયેલા ૩૧ કિડની ટ્રાન્સપ્લાન્ટનું પુનઃઅવલોકન કરી ત્રણ કેસમાં કિડની દાતા અને કિડની મેળવનારાના દ્વારા સુપરત કરાયેલા દસ્તાવેજો યોગ્ય ન હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આજે આ મામલે તપાસ કરી મોડી રાત્રે હોસ્પિટલના સીઇઓ ડો. સુજીત ચેટરજી સહિત છ ડોક્ટરોની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં અગાઉ પોલીસે આઠ જણની ધરપકડ કરી હતી. આ કૌભાંડની ઉચ્ચ સ્તરે તપાસ થઈ રહી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે આજે ધ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટ ૧૯૯૪ની વિવિધ કલમો હેઠળ હીરાનંદાની હોસ્પિટલના છ ડોક્ટરોની ધરપકડ કરી હતી. રાજ્યના ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર ડો. ગૌરી રાઠોડે જણાવ્યું હતું કે, ચારમાંથી કિડની ટ્રાન્સપ્લાન્ટના બે કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ પૂરી કરી લીધી છે. એક કેસમાં દાતાએ કિડની લેનારના ભાઈ તરીકે અને બીજા કેસમાં કિડની લેનારની બહેન તરીકે ઓળખ આપનાર એક મહિલા હતી. પોલીસ હાલ આ બંને આરોપીઓને શોધી રહી છે.

૧૪ જુલાઈએ એક સામાજિક કાર્યકર્તાએ હીરાનંદાની હોસ્પિટલમાં એક ટ્રાન્સપ્લાન્ટની કાર્યવાહી અટકાવતાં આ કૌભાંડ બહાર આવ્યું હતું. બાદમાં થયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, બ્રીજેન્દ્ર બીશન દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. બીશનની અગાઉ ૨૦૦૭માં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડમાં ધરપકડ થઈ ચૂકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન