કિલોગ્રામનું મૂલ્ય સનાતન થયું. હવે રાઈના દાણા જેટલી પણ વધઘટ નહીં થાય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • કિલોગ્રામનું મૂલ્ય સનાતન થયું. હવે રાઈના દાણા જેટલી પણ વધઘટ નહીં થાય

કિલોગ્રામનું મૂલ્ય સનાતન થયું. હવે રાઈના દાણા જેટલી પણ વધઘટ નહીં થાય

 | 12:15 am IST
  • Share

સાયન્સ મોનિટર : વિનોદ પંડયા

હજી ચાર-પાંચ દાયકા અગાઉ સૌરાષ્ટ્રમાં લોકો ગડિયું, પાલી, માણું એમ ત્રણ પાત્રો વડે અનાજનું વજન કરતાં અને વર્ણવતાં હતાં. બે ગડિયાની એક પાલી, બે પાલીનું માણું અને પાંચ માણા અનાજ ભરે તો એક મણ થાય. દરેક બાબતોમાં કોઈ વૈજ્ઞાનિક સ્ટાન્ડર્ડ ન હતું. પાંચ માણાં ચોખા કે રાજગરો કે બાજરો કિલોગ્રામની રીતે એક સરખું વજન ના થાય. પણ લોકો વહેવારો ચલાવી લેતા. જેરામભાઈના પાલી કે માણું ઠાકરશીભાઈના પાલી કે માણાં કરતાં નાનાં કે મોટાં હોઈ શકે. લુહારે જાડો પાતળો આધાર લઈને ઘડયાં હોય. વજન વડે નવટાંક, પાશેર, શેર અને મણ જોખવાની પ્રથા પણ સમાંતરે ચાલતી હતી. એ બ્રિટિશરોની દેન હતી. આઝાદ ભારતમાં મીટર, લિટર અને ગ્રામની નવી મેટ્રીક પદ્ધતિ અમલમાં આવી છતાં હજી વલસાડની શાક માર્કેટમાં શેરના હિસાબે શાકભાજી વેચાય છે. એક શેર એટલે ૫૦૦ ગ્રામ. જૂનું નામ, નવું વજન. ઘણા લોકો હજી બે સ્થળ વચ્ચેનું અંતર ગાઉમાં બોલે. અંગ્રેજો માઈલ લઈ આવ્યા. અમેરિકનો હજી માઈલને પ્રેમ કરે છે, પણ ભારતીયોમાં તે લોકપ્રિય થાય તે અગાઉ કિલોમીટર આવી ગયા. એ પછી તો વિજ્ઞાનીઓએ અનેક પ્રકારના માપ શોધી કાઢયાં. તાપમાન, રોશની, અવાજ માપવાના માનક અને પ્રકાશવર્ષ જેવાં માપ દુનિયાને મળ્યાં. વિજ્ઞાનીઓએ તે માટેના આધારભૂત, વિશ્વસનીય સ્ટાન્ડર્ડ ઘડી કાઢયાં, છતાં લગીરમાત્ર તફાવતને કારણે આ મહિનાની વીસ તારીખથી સ્ટાન્ડર્ડ નક્કી કરવાની પદ્ધતિ અને સ્ટાન્ડર્ડનું માપ પણ બદલાવી નાખ્યું. હમણાં કિલોગ્રામના સ્ટાન્ડર્ડને અમરત્વ અપાયું. જે પદ્ધતિ અમલમાં હતી તેના વજનમાં માત્ર વિજ્ઞાનીઓ પકડી શકે એટલો ફરક દેખાતો થયો અને એ સ્ટાન્ડર્ડને રદ કરવામાં આવ્યું. ક્વોન્ટમ ફિઝિક્સના નિયમોને આધારે કિલોગ્રામનું ખરું માપ નક્કી થયું તે યાવતચંદ્ર દિવાકરૌ માટે એક સરખું જ રહેશે. કોઈપણ વિજ્ઞાની લેબોરેટરીમાં એ પ્રમાણિત વજન મેળવી શકે છે. તે પ્રાપ્ત કરવા તેને બીજા કોઈ અસલી સ્ટાન્ડર્ડાઈઝ્ડ વજનની મદદ લેવી નહીં પડે, પણ માત્ર અમુક પ્રોસિજર ફોલો કરવી પડશે.

હીરા બજારમાં આજે પણ વજનનું એકમ કેરેટ છે. સોનું ઔંસ કે તોલામાં બોલાય છે પણ ગ્રામમાં મપાય છે. બ્રિટિશરોએ પાઉન્ડ દાખલ કર્યો તે અગાઉ યુરોપના ઘણા દેશોમાં રોમન લિબ્રા નામના એકમ વડે વજન મપાતું. એક લિબ્રા બરાબર ૧૭૨૮ કેરેટ. કેરેટ સિલિકા તરીકે પણ ઓળખાતો. એ કેરેટ હવે હીરા ઉદ્યોગમાં ટકી ગયો છે.

જે માનકોનું મૂલ્ય બદલાયું અથવા બદલાશે તે ભૌતિક નિરંતરતાને આધારે નક્કી કરાયું છે અને તે માન્યામાં ન આવે એટલી હદે કાયમ માટે સ્થિર અથવા ચોક્કસ રહે છે. તેને આ બ્રહ્માંડની મૂળભૂત ભૌતિક પ્રકૃતિ સાથે જોડી દેવાયા છે જે ભૌતિક પ્રકૃતિ ક્યારેય લેશમાત્ર બદલાતી નથી. તેનો એક અર્થ એવો થાય કે દુનિયાની કોઈ બે પ્રયોગશાળા એકમેકના સંપર્કમાં આવ્યા વગર દૂરબીનમાં પણ જલદી ના દેખાય એવા સૂક્ષ્મ પાર્ટિકલનું આ પદ્ધતિ પ્રમાણે વજન કરે તો એક સરખું જ વજન આવે.

કિલોગ્રામનું માનક બદલવાની જરૂર શા માટે ઊભી થઈ? પ્લેટિનમ-ઈરિડિયમની મિશ્ર ધાતુથી એક નળાકાર સ્વરૂપે રચાયેલો કિલોગ્રામનો આંતરરાષ્ટ્રીય પ્રોટોટાઈપ (મૂળ નમૂનો) પેરિસના ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝરમેન્ટ (બીઆઈવીએમ) ખાતેના એક સલામત વોલ્ટમાં રાખવામાં આવ્યો છે, જે લિ ગ્રાં કે અર્થાત્ ‘ધ ગ્રાન્ડ કિલોગ્રામ’ તરીકે ઓળખાય છે. નેપોલિયન કાળના એક ઓરિજિનલ વજન જેટલું જ આ કિલોગ્રામનું વજન રખાયું અને ૧૮૮૯માં તેને સ્વીકૃત માનક તરીકે વોલ્ટમાં રખાયું. તેના જેવી જ આબેહૂબ તેની છ નકલ બનાવવામાં આવી. હવે આટલાં વરસોમાં છ નકલોના વજનમાં સૂક્ષ્મ ફેરફારો નજરે ચડયા છે, પણ પ્રોટોટાઈપમાં ફેરફાર થયા છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય? તે માપવા માટેનું બીજું કોઈ માનક દુનિયા પાસે નથી, છતાં ધારી લેવામાં આવ્યું છે કે પ્રોટોટાઈપનાં વજનમાં પણ ફેરફાર થયો હશે. હવે નવા માનક પ્રમાણે આજથી ૫૦ કે ૧૦૦ વરસ બાદ લિ ગ્રાં કેનું મૂલ્ય આંકવામાં આવે ત્યારે ખબર પડશે કે તે વત્તો ઓછો થાય છે કે નહીં? લિ ગ્રાં કેને માનક તરીકેના પદ પરથી દૂર કરવાનું એટલા માટે જરૂરી લાગ્યું કે વોલ્ટમાંથી તે ચોરાઈ જાય અથવા કોઈ હોનારતમાં તેને નુકસાન થાય તો દુનિયા એક પાકા માનક વગરની બની જાય. સન ૧૮૩૪માં લંડનના વેસ્ટમિન્સ્ટર પેલેસમાં આગ લાગી હતી ત્યારે ઈમ્પિરિયલ સ્ટાન્ડર્ડ પાઉન્ડને નુકસાન પહોંચ્યું હતું અને બ્રિટન પાસે કોઈ સત્તાવાર માનક બચ્યું ન હતું. હવે દુનિયામાં માનકની જે નવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે તેને અગ્નિ બાળી શક્તો નથી, પવન શોષી શક્તો નથી વગેરે. તે બીજા ગ્રહો પર પણ ચોક્કસ અને અમર રહેશે. લિ ગ્રાન્ડ કે હવે મ્યુઝિયમ પીસ બની ગયો છે ત્યારે નવું માનક શું અને કેવું છે તે જાણીએ.

માનકની નવી જવાબદારી કિબલ બેલેન્સ તરીકે ઓળખાતી નવી કિટ પર આવી છે. અગાઉ આ પદ્ધતિ વોટ્ટ બેલેન્સ તરીકે ઓળખાતી હતી, પણ હમણાં બે વરસ અગાઉ તેના બ્રિટિશ શોધક બ્રીઆન કિબલનું નામ તેને અપાયું છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અથવા તાકાત દ્વારા એક વજનને બેલેન્સ કરવા કે ઉઠાવવા માટે જેટલી શક્તિની જરૂર પડે તેના આધારે વજનનું માનક નક્કી કરાયું છે. ૧ કિલોગ્રામનું વજન માપવા માટે જે ઊર્જાની જરૂર પડે તે મૂલ્યને પ્લાન્ક કોન્સ્ટન્ટ અથવા પ્લાન્ક સનાતન તરીકે ઓળખાવાય છે. પ્લાન્ક એક જર્મન વિજ્ઞાની હતો અને તેણે કેટલાંક ભૌતિક વિજ્ઞાનના સનાતનોની શોધ કરી હતી જે ક્યારેય બદલાતાં નથી. એક કિલોગ્રામ માપવા માટેની ઊર્જા માટેના પ્લાન્ક સનાતનને અંગ્રેજી અક્ષર એચથી ઓળખવામાં આવે છે. કિબલના બેલેન્સ અથવા તુલાઓને દુનિયામાં એક સરખા કામ માટે કેલિબ્રેટ કરવા માટે પદાર્થ (માસ)નો નિયત થયેલો પ્લાન્ક કોન્સ્ટન્ટ રિફર કરવામાં આવે છે, જે રીતે હમણાં સુધી લિ ગ્રાં કેનો આધાર લેવાતો હતો. ક્વોન્ટમ ફિઝિકસ પ્રમાણે માસના બેલેન્સ માટે પ્રકાશના ફોટોનની એનર્જી જે ફ્રિકવન્સી પેદા કરે એ ફ્રિકવન્સીનું પ્રમાણ માનક બની જાય છે. જેમ કે એક કિલોગ્રામ માટે નક્કી થયેલી ફ્રિકવન્સીએ ફોટોન એનર્જી દ્વારા એક માસનું બેલેન્સ મપાયું તો એ માસ એક કિલોગ્રામનો થયો ગણાય. માસનું બેલેન્સ અથવા વજન એક મોટા વાસણમાં વાયરો વચ્ચે લટકાવીને થાય છે, જેને એમ્બિયેન્ટ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે. વાસણ સાથે જોડાયેલી વાયરોની કોઈલમાંથી વીજળીનો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એક બીજું ચુંબકીય ક્ષેત્ર રચાય છે જે મૂળ એમ્બિયન્ટ મેગ્નેટિક ફિલ્ડ સાથે ઈન્ટરએક્ટ કરે છે અને ઉપરની બાજુએ જતી એનર્જી પેદા કરે છે, જે માસને ઊઠાવે છે. એમ્બિયન્ટ મેગ્નેટિક ફિલ્ડની ઊર્જા જાણવા માટે માસને વાસણમાંથી દૂર કરી, વિદ્યુત પ્રવાહ બંધ કરી વાયરની કોઈલને મેગ્નેટિક ફિલ્ડમાં ચોક્કસ ગતિએ

ઘૂમાવવામાં આવે છે તેને કારણે વાયરમાં વોલ્ટેજ પ્રસરી જાય છે. આ વોલ્ટેજનું ચોક્કસપણે, વીજળીના પ્રવાહની માફક માપ કાઢી શકાય છે અને ઊર્જાનું માપ તેનાથી નીકળે છે.

વરસ ૧૯૬૭માં સમયનું માનક બદલાયું હતું. પૃથ્વી તેની ધરી પર ફરે તેની સાથે સેકન્ડને જોડવાને બદલે હવે તેને કેસિયસ અણુ (એટમિક) ક્લોક સાથે જોડી દેવામાં આવી છે. આ ઘડિયાળ ચૌદ લાખ વરસે માત્ર એક સેકન્ડ આગળ પાછળ થાય છે. ૧૯૭૯માં રોશની (પ્રકાશ) માટેનું માનક નવેસરથી નક્કી કરાયું હતું. પ્રકાશના સ્પેક્ટ્ર્રમના લીલા ભાગમાંથી ચોક્કસ ફ્રિક્વન્સી સાથે પ્રકાશ છૂટે તેનો આધાર લઈને ‘કેન્ડેલા’ તરીકે ઓળખાતું એ માનક નક્કી કરાયું હતું. સન ૧૯૮૩માં લંબાઈ અથવા અંતર માપવા માટે વૈજ્ઞાનિક માપક રચાયું હતું. પ્રકાશ એક ચોક્કસ ઝડપે જ પ્રવાસ કરે છે. શૂન્યાવકાશમાં સેકન્ડે તે ૨૯,૯૭,૯૨,૪૫૮ મીટરની ઝડપે પ્રવાસ કરે છે. અંતર અથવા લંબાઈ માટે આ સ્ટાન્ડર્ડ નક્કી રાખવામાં આવ્યું. હવે કરંટ માટેના માપક એમ્પીઅર, તાપમાન (ટેમ્પરેચર) માટેના માનક (કેલ્વિન) અને રાસાયણિક પદાર્થોનું માપ જણાવતા (મોલ)ના માપક મૂલ્યોને સનાતન બનાવવાની દિશામાં વિજ્ઞાનીઓ વ્યસ્ત છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન