• કેરળના કોલ્લમમાં દેશનું પ્રથમ ડિઝિટલ કોર્ટ
  • બી.આર ગવઇએ કોર્ટનું કર્યુ હતું ઉદ્ઘાટન
  • 24/7 ON કોર્ટ નામ આપવામાં આવ્યું છે

કેરળના કોલ્લમમાં દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ થઇ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act)ના કેસોના સમાધાન માટે આ કોર્ટ શરૂ કરવામાં આવી છે. આ કોર્ટનું ઉદઘાટન શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.આર. ગવઇએ કર્યું હતું. ત્યારે આજે આપણે જાણીએ કે ડિજિટલ અદાલત હોય છે શું, કેવી રીતે કામ કરે છે આ કોર્ટ.તેમજ કેવા પ્રકારના કેસોની સુનાવણી થશે, આવો જાણીએ

સપ્ટેમ્બરથી થશે શરૂ

કેરળમાં શરૂ થયેલી પ્રથમ ડિજિટલ કોર્ટનું નામ '24/7 ઓન કોર્ટ' રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. મળતી માહિતી અનુસાર જો આ પહેલ સફળ થશે તો રાજ્યમાં વધુ જગ્યાઓ પર ઓન-કોર્ટની સ્થાપના થઈ શકે છે.

કેવા કેસોની થશે સુનાવણી ?

ડિજીટલ કોર્ટ '24/7 ઓન (ઓપન એન્ડ નેટવર્ક્ડ) કોર્ટ' શરૂઆતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ પ્રોમિસરી નોટ્સ, બિલ્સ ઑફ એક્સચેન્જ અને ચેકને લગતો કાયદો છે. હાઈકોર્ટના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચેક બાઉન્સના કેસો NI એક્ટના કુલ પેન્ડિંગ કેસના દસ ટકા જેટલા છે.

NI ACT શું છે?

 NI એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ થવો ગુનો છે. જો તમે કોઈને 40,000 રૂપિયાનો ચેક આપો છો, પરંતુ જ્યારે બીજી વ્યક્તિ તેને બેંકમાં જમા કરાવે છે તો પૈસા નથી હોતા અને તે સમયે આપેલ ચેક રિજેક્ટ થઈ જાય છે. બેંકની ભાષામાં તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. આમ કરવું એ NI એક્ટ 1881 હેઠળ સજાપાત્ર ગુનો છે. જો દોષિત ઠરે તો, સજા ચેકની રકમના બમણા દંડ અથવા વધુમાં વધુ બે વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે.

કેવી રીતે ટેક્નોલોજીને કોર્ટ સિસ્ટમ સાથે જોડાશે ?

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાજા વિજયરાઘવન વીએ કહ્યું કે ટેક્નોલોજીને કોર્ટ સાથે જોડવાથી પ્રક્રિયા સરળ બનશે. ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડ્યુલિંગ સિસ્ટમ હશે જેથી સુનાવણી સમયસર થાય. આ ફરિયાદીઓને તેમના કેસની વાસ્તવિક-સમયની સ્થિતિ બતાવીને મદદ કરશે. આ ઉપરાંત, કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ સાથે જોડવામાં આવશે, જેથી માહિતીની આપ-લે સરળ બને.

મળતી માહિતી અનુસાર ડિજિટલ કોર્ટમાં ચાર API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) હશે જે કેસની સ્થિતિ, તેના મેટાડેટા, ઓર્ડર્સ અને ચુકાદાઓને આવરી લેશે. આવતા મહિને કોર્ટ ઓનલાઈન શરૂ થતાની સાથે જ આ તમામ સિસ્ટમ કાર્યરત થઈ જશે.

ફરિયાદી, વકીલો અને લોક અદાલતના સભ્યો વચ્ચે ઓનલાઈન વાટાઘાટો અને સમાધાન માટે 'વી-સોલ્વ વર્ચ્યુઅલ સોલ્યુશન મેકર' નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ કેરળના ન્યાયતંત્ર દ્વારા વિકસાવવામાં આવ્યુ છે.


  • Follow us on: