• UPIના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે હંમેશા રહો સાવચેત
  • તમારાથી ખોટું ટ્રાન્ઝેક્શન થઈ જાય છે તો પરત પણ મેળવી શકો છો
  • ખોટું ટ્રાન્ઝેક્શન અંગે બેન્કમાં ફરિયાદ કરી મેળવી શકો છો રૂપિયા પરત

ભારતમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા સતત વધી રહી છે. PhonePe અને Google Pay ભારતમાં અગ્રણી પેમેન્ટ એપ્લિકેશન પ્લેટફોર્મ છે. પરંતુ ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીની સંખ્યા સતત વધી રહી છે. એવામાં જો તમે પણ આ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ. એક નાની ભૂલ ખુબ જ મોંધી પડી શકે છે.

શું રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ પરત મેળવી શકાય?

શું તમે જાણો છો કે જો તમે ભૂલથી કોઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ પણ પરત મેળવી શકો છો. આ એપ્સનો ઉપયોગ કરીને રૂપિયા મોકલવાનું જેટલું સરળ છે, તેટલું જ છેતરપિંડી થવાની શક્યતા વધારે છે. આ એપ્સના માધ્યમથી પેમેન્ટ મોબાઈલ નંબર દ્વારા થાય છે. આવી સ્થિતિમાં ખોટા મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કરવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ખોટી રીતે ટ્રાન્સફર કરેલા રૂપિયા પરત મળી શકે છે

આપણે ડિજિટલ વ્યવહારો માટે Gpay, PhonePe અને Paytmનો ઉપયોગ કરીએ છીએ. ઉલ્લેખનીય છેકે, આ થર્ડ પાર્ટી એપ્સ છે. આવી સ્થિતિમાં ખોટા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થવાના કિસ્સામાં આ એપ્સ સીધી રીતે જવાબદાર નથી. આ એપ્સ તમને તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલ UPI પર આધારિત પેમેન્ટ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન હજુ પણ એ જ રહે છે કે જો તમે ભૂલથી રૂપિયા ટ્રાન્સફર કરો છો તો શું તે પરત મેળવવાનો કોઈ રસ્તો છે કે નહીં? તમને જણાવી દઈએ કે ખોટા ખાતામાં ટ્રાન્સફર કરાયેલા રૂપિયા પરત મેળવી શકાય છે. આ માટે રિઝર્વ બેન્કની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

Google Pay પર ફરિયાદ કેવી રીતે કરવી

સૌથી પહેલા ગૂગલ પે એપ્સ ઓપન કરો અને પછી 'મદદ અને પ્રતિસાદ' પર ક્લિક કરો. આ પછી તમારે 'રિફંડ' અથવા 'ખોટી ચુકવણી'નો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યાર બાદ તમારે સંપૂર્ણ વિગતો અને જરૂરી માહિતી આપવી પડશે.

બેન્કનો સંપર્ક ક્યા સંજોગોમાં કરવો

જો તમે ભૂલથી રૂપિયા મોકલો છો તો પહેલા તમારી બેન્કનો સંપર્ક કરો. તમે મેઇલ દ્વારા બેન્કને ભૂલની જાણ કરી શકો છો. બેન્કો ઘણીવાર આવી ફરિયાદો પર તાત્કાલિક પગલાં લે છે અને સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરીને નાણાં વસૂલ કરે છે. જો મેઇલ દ્વારા નિરાકરણ નથી આવતું તો તમારે બેન્કની શાખા પર જવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો પણ આપવા પડશે.

શું છે RBIનો નિયમો?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જો ખોટા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો તમારે તરત જ બેન્કમાં ફરિયાદ કરવી જોઈએ. આમ કરવાથી તમે 7 થી 15 દિવસમાં બેન્કમાંથી રૂપિયા રિફંડ મેળવી શકો છો. RBIના નિયમો અનુસાર જો કોઈ તમારા દ્વારા મોકલવામાં આવેલ રૂપિયા ખર્ચ કરે છે અથવા તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરે છે તો આવી સ્થિતિમાં પણ તમને રિફંડ આપવામાં આવશે.

  • Follow us on: