તમે કોઇ ફિલ્મ જોવા માટે જાઓ. અને મૂવી શરૂ થયા પહેલા જ જો તમને જાહેરાત પર જાહેરાત દેખાડે. ફિલ્મ શો ટાઇમ પર પણ ન શરૂ થાય. અને 25 થી 30 મિનિટ સુધી ફિલ્મ શરૂ ન થાય. આવુ તો આપણે ઘણા થિયેટર્સમાં જોયુ છે. નક્કી સમય પછી પણ મૂવી શરૂ થતુ નથી. દર્શકોએ જાહેરાત જોવી જ પડે છે. પરંતુ આવો જ એક મામલો અદાલતમાં પહોંચ્યો હતો. જેમાં અદાલતે પીવીઆર ઇનોક્સને ફટકાર લગાવી અને દંડ પણ ફટકાર્યો. ત્યારે આવો જાણીએ કે થિયેટરમાં કેટલા સમય સુધી એડવર્ટીઝમેન્ટ બતાવી શકો. શું છે નિયમ આવો જાણીએ.
શું હતો મામલો ?
બેંગલુરુના રહેવાસી અભિષેક એમઆરએ પીવીઆર, આઇનોક્સ અને બુક માય શો વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં 25 થી 30 મિનિટ સુધી જાહેરાતો બતાવીને તેમનો સમય બગાડવામાં આવ્યો હતો, જેના કારણે તેમને માનસિક તકલીફ થઈ હતી. કોર્ટે આ કેસમાં સિનેમા હોલને ઠપકો આપ્યો હતો અને ફરિયાદીને માનસિક યાતના અને અસુવિધા માટે 20,000 રૂપિયા અને મુકદ્દમાના ખર્ચ તરીકે 8,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 1 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જાહેરાતો બતાવવાના નિયમો શું છે?
આ કેસની સુનાવણી દરમિયાન, PVR વતી ઘણી દલીલો રજૂ કરવામાં આવી હતી. પીવીઆરએ જણાવ્યું હતું કે ફિલ્મ શરૂ થાય તે પહેલાં બતાવવામાં આવેલી જાહેરાતમાં જાહેર સેવાની જાહેરાતો શામેલ હતી. જોકે, ગ્રાહક અદાલતે આ કેસમાં સ્પષ્ટતા કરી છે કે થિયેટરો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જાહેર સેવા જાહેરાતો અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાતો ફક્ત 10 મિનિટ માટે જ બતાવી શકે છે. ફિલ્મ પહેલા બતાવવામાં આવતી જાહેરાતો ઇન્ટરવલ દરમિયાન બતાવી શકાય છે જેથી ફિલ્મ જોનારા લોકોનો સમય જાહેરાતોથી બગાડાય નહીં. આવી સ્થિતિમાં દર્શકોને આવી બિનજરૂરી જાહેરાતો સામે ગ્રાહક અદાલતમાં જવાનો અધિકાર છે.