- શું DNA ટેસ્ટ ખાનગી લેબમાં થાય ?
- ડીએનએ ટેસ્ટ સૌ પ્રથમ વાર ક્યારે થયો ?
- ડીએનએ ટેસ્ટ કરાવવામાં કેટલો થાય છે ખર્ચ?
ડીએનએ ટેસ્ટનું નામ તમે બધાએ કોઈને કોઈ સમયે સાંભળ્યું જ હશે. મેડિકલ સાયન્સના કારણે આજે ડીએનએ ટેસ્ટિંગ શક્ય બન્યું છે. કેટલાક જટિલ ગુનાના કેસોને ઉકેલવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે આજે જાણીએ કે ડીએનએ ટેસ્ટ હોય છે શું અને તેની પાછળ કેટલો ખર્ચ થાય છે.
ડીએનએ ટેસ્ટ શું છે?
ડીએનએ એટલે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ. આ એક પરીક્ષણ છે જે આપણા જનીનો અથવા પૂર્વજો અથવા આપણા વંશ વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. આપણા શરીરમાં લાખો કોષો છે. લાલ રક્ત કોશિકાઓ સિવાય, અન્ય તમામ કોષોમાં આનુવંશિક કોડિંગ હોય છે, જે શરીર બનાવે છે. તે DNA હોય છે.
DNA ટેસ્ટ ક્યારે થયો પ્રચલિત ?
ડીએનએ ટેસ્ટ એ સમય માગતી પ્રક્રિયા છે. પરંતુ શું તમે જાણો છો કે DNA ટેક્નોલોજી પહેલાના સમયમાં ન હતી. 1984માં સૌ પ્રથમ વાર આ ટેસ્ટ વિશે માહિતી મળી જે બાદ તે વિશ્વમાં પ્રચલિત થઇ ગયું. 1984માં વૈજ્ઞાનિક એલેક જૈફરીન ડીએનએ ટેસ્ટિંગને તે અંજામ સુધી લઇ ગયા જેનાથી આજે દુનિયા પરિચિત છે. સાડા 3 દશકોથી આ ટેસ્ટનો ઉપયોગ થઇ રહ્યો છે.
ભારતમાં ડીએનએ ટેસ્ટ સૌ પ્રથમ ક્યારે થયો ?
વૈજ્ઞાનિક લાલજી સિંહને ભારતમાં ડીએનએ ટેસ્ટિંગના જનક માનવામાં આવે છે. તેમને ભારતીય ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા કહેવામાં આવે છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. 1991 માં, લાલજી સિંહે પિતૃત્વ વિવાદના ઉકેલ માટે ભારતીય કોર્ટમાં પ્રથમ વખત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ રિપોર્ટ રજૂ કર્યો. આ પછી ભારતમાં ઘણા સિવિલ અને ફોજદારી કેસ ડીએનએ ટેસ્ટના આધારે ઉકેલાયા છે.
ડીએનએ ટેસ્ટની કિંમત?
DNA ટેસ્ટ ખાનગી અને સરકારી બંને લેબમાં થાય છે. સરકારી લેબ્સ માત્ર ફોજદારી કેસોમાં અને સરકારી આદેશોના આધારે જ ટેસ્ટ કરાવી આપે છે. જ્યારે ખાનગી લેબમાં કોઈ પણ વ્યક્તિ ડૉક્ટરની સલાહ પર ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટ 10,000 રૂપિયાથી 70,000 રૂપિયા સુધીનો હોય છે.