સંયુક્ત રાષ્ટ્ર સમિટ દરમિયાન અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની ભલામણ કરી છે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ આ માટે ભારતને સમર્થન આપ્યું છે. જેને વર્લ્ડ ક્લાસ સિક્યુરિટી મેનેજમેન્ટ માટે સૌથી મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે. ભારત તેની સદસ્યતા મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ચીન દરેક વખતે અડચણો ઊભી કરે છે.
ભારત UNSCનું કાયમી સભ્ય બની શકે
મહત્વનું કહી શકાય કે, માત્ર ચીન જ નહીં પણ અન્ય ઘણા દેશો છે જે ઈચ્છે છે કે ભારતને વીટો પાવર ન મળે. એવું માનવામાં આવે છે કે, જો ચીન આ વખતે અવરોધો નહીં બનાવે તો ભારત તેનું કાયમી સભ્ય બની શકે છે.
વિશ્વમાં શાંતિ અને સામૂહિક સુરક્ષાની જવાબદારી
આ સૌથી મોટા સુરક્ષા મંચ પર વિશ્વમાં શાંતિ અને સામૂહિક સુરક્ષા જાળવવાની જવાબદારી છે. આ યુએનની સૌથી મોટી શક્તિશાળી શાખા છે. જેમાં 15 સભ્ય હોય છે. મહત્વનું છે કે, આમાં 2 પ્રકારના સભ્યપદ હોય છે. એક કાયમી અને બીજું કામચલાઉ. 15માંથી પાંચ દેશો તેના કાયમી સભ્યો છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. આ સિવાય આવા 10 દેશ દર બે વર્ષે બદલાય છે.
વિશ્વમાં ભારતની તાકાતમાં વધારો થશે
ભારત તેનું કાયમી સભ્ય બનવા માંગે છે, કારણ કે જો ભારત તેનું સ્થાયી સભ્ય બનશે તો વિશ્વમાં ભારતની તાકાતમાં વધારો થશે. સાથે જ ભારત પાસે વીટોની શક્તિ પણ હશે, જેના કારણે ભારત આંતરરાષ્ટ્રીય મામલામાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. તેનાથી ભારતને વૈશ્વિક સ્તરે અનેક રાજદ્વારી લાભો પણ મળશે. સત્તા વધારવાના દેશના દાવાને ફરીથી સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવશે. ત્યારે ભારત પાકિસ્તાન કે અન્ય પડોશી દેશો સાથે વ્યવહાર કરવા માટે એટલું શક્તિશાળી બની જશે.
અસ્થાયી સભ્યપદ માટે દર બે વર્ષે યોજાય છે ચૂંટણી
અસ્થાયી સભ્યપદ માટે દર બે વર્ષે ચૂંટણી યોજાય છે. વાસ્તવમાં, આ દેશોને પસંદ કરીને, સુરક્ષા પરિષદમાં પ્રાદેશિક સંતુલન જાળવવામાં આવે છે. આમાં પાંચ સભ્યો એશિયન અથવા આફ્રિકન દેશોમાંથી, બે સાઉથ અમેરિકન દેશોમાંથી, એક ઈસ્ટર્ન યુરોપમાંથી અને બે વેસ્ટર્ન યુરોપ કે અન્ય પ્રદેશોમાંથી ચૂંટાયા છે. આ ઉપરાંત આફ્રિકા અને એશિયા બંને ખંડોમાં પરસ્પર સહમતિના આધારે આરબ દેશો માટે 1 સીટ અનામત રાખવાનો પણ નિયમ છે.
ભારતને 87 દેશોનું સમર્થન મળ્યું
ભારત પાછલા વર્ષોમાં ઘણી વખત તેનું સભ્ય રહ્યું છે. 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 અને 2021-22માં સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય રહી ચૂક્યા છે. 2011-12માં, કઝાકિસ્તાને તેની બિડમાંથી પીછેહઠ કર્યા પછી, ભારતને મતદાન કરનારા 190 દેશોમાંથી 187 દેશોનું સમર્થન મળ્યું. આ પછી તેઓ 2 વર્ષ માટે અસ્થાયી સભ્ય બન્યા.