સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે 5 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF યોજનામાં પગાર મર્યાદામાં સુધારો કરવા અંગે ચાર મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા 11 વર્ષથી આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને એ.એસ.ચાંદુરકરની બેન્ચે સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ જારી કર્યો.

અરજી અનુસાર, કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવતી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ યોજનામાં 15,000 રૂપિયાથી વધુ માસિક આવક ધરાવતા કર્મચારીઓનો સમાવેશ કરતી નથી.

70 વર્ષોથી પગારમાં મનસ્વી રીતે કરાયા ફેરફાર

અરજદારના વકીલ પ્રણવ સચદેવ અને નેહા રાઠીએ દલીલ કરી હતી કે દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ વેતન આ મર્યાદા કરતાં વધુ હોવા છતાં EPF વેતન મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓ સામાજિક સુરક્ષા અને ભવિષ્ય નિધિના લાભોથી વંચિત રહી ગયા છે. અરજીનો નિકાલ કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે અરજદારને બે અઠવાડિયામાં આદેશની નકલ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો. સરકારે આ બાબતે ચાર મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે છેલ્લા 70 વર્ષોમાં પગાર મર્યાદામાં સુધારો ખૂબ જ મનસ્વી રહ્યો છે, તો ક્યારેક 13-14 વર્ષના અંતરાલ પછી ફેરફાર થયો છે. આ સમયગાળા દરમિયાન, ફુગાવો, લઘુત્તમ વેતન કે માથાદીઠ આવક જેવા આર્થિક સૂચકાંકો સાથે કોઈ સંબંધ જાળવવામાં આવ્યો નથી.

ઓછા કર્મચારીઓને મળી રહ્યો છે લાભ

અરજી અનુસાર, આ અસંગત નીતિને કારણે, પહેલાની સરખામણીમાં આજે બહુ ઓછા કર્મચારીઓને EPF યોજનાનો લાભ મળી રહ્યો છે. 2022 માં EPFO​​ની એક પેટા સમિતિએ પગાર મર્યાદા વધારવા અને વધુ કર્મચારીઓને આવરી લેવાની ભલામણ કરી હતી, જેને સેન્ટ્રલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. અરજી અનુસાર, છેલ્લા 70 વર્ષોમાં EPF યોજનાની વેતન મર્યાદાના સુધારાના વિશ્લેષણ દર્શાવે છે કે શરૂઆતના 30 વર્ષોમાં તે એક સમાવિષ્ટ માળખું હતું. પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તે સ્પષ્ટપણે વધુ કામદારોને બહાર રાખવાનું એક સાધન બની ગયું છે

આ પણ વાંચો: Agniveer New Rules: સાવધાન અગ્નિવીર! ભારતીય સેનાનો મોટો નિર્ણય, લગ્ન કરનાર નહીં થઈ શકે પરમેનન્ટ