જો હવે તમારી ફ્લાઇટ રદ થઇ જાય છે તો હવે તમને મળી શકે છે વળતર કારણ કે ,ઓગસ્ટ 2019માં DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ નવા નિયમો જાહેર કર્યા છે, જે મુસાફરોને ફ્લાઇટ રદ થવા, વિલંબ અથવા ઓવરબુકિંગની સ્થિતિમાં સુરક્ષા અને વળતરની ગેરંટી આપે છે. આ નિયમો ભારતીય નાગરિક ઉડ્ડયન નિયમો (CAR) હેઠળ અમલમાં આવ્યા છે અને ભારતમાં ઉડતી તમામ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગુ પડે છે, ભલે એરલાઇન ભારતીય હોય કે વિદેશી.

DGCAના નિયમો 

DGCAના નિયમો અનુસાર, જો કોઈ એરલાઇન નિર્ધારિત યોજના મુજબ કામ કરવામાં નિષ્ફળ જાય, તો મુસાફરોને વળતર આપવું અથવા વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. વળતરની રકમ, ફ્લાઇટ રદ થવાની અથવા વિલંબની જાણ પહેલા કેટલી કરવામાં આવી તે પર આધાર રાખે છે.

ફ્લાઇટ વિલંબ માટે નિયમો:

જો તમે સમયસર ચેક ઇન કર્યું હોય અને એરપોર્ટ પહોંચ્યા પછી તમને ખબર પડે કે તમારી ફ્લાઇટ મોડી પડી છે, તો એરલાઇન્સ તમને તેના માટે વળતર આપવા માટે બંધાયેલી છે. જો અઢી કલાકની ફ્લાઇટ બે કલાક કે તેથી વધુ મોડી પડે, અઢી થી પાંચ કલાકની ફ્લાઇટ ત્રણ કલાક કે તેથી વધુ મોડી પડે અને પાંચ કલાકથી વધુ સમયની ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ મોડી પડે, તો એરલાઇન્સે રાહ જોવાના સમયગાળા દરમિયાન મફત ભોજન અને નાસ્તો આપવો પડશે.

ડોમેસ્ટિક ફ્લાઇટ

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાકથી વધુ મોડી પડે છે, તો એરલાઇન્સે મુસાફરોને નિર્ધારિત સમયના 24 કલાક પહેલા તેની જાણ કરવી પડશે. ઉપરાંત, મુસાફરોને 6 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટ અથવા ટિકિટના સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવશે. જો કોઈ ફ્લાઇટ ૨૪ કલાકથી વધુ મોડી પડે અથવા રાત્રે 8 થી સવારે 3 વાગ્યા વચ્ચેની ફ્લાઇટ ૬ કલાકથી વધુ મોડી પડે, તો એરલાઇન્સે મુસાફરો માટે હોટલની વ્યવસ્થા કરવી પડશે.

સૂચના વિના અથવા નિર્ધારિત સમય પછી ફ્લાઇટ રદ કરવી

નિર્ધારિત પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા એરલાઇન્સ દ્વારા કોઈપણ ફ્લાઇટ રદ થવાની જાણ મુસાફરોને કરવી જોઈએ. મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પણ આપવો જોઈએ. જો એરલાઇન્સ તમને રદ કરવાની જાણ ન કરે અને તમે તે જ ટિકિટ પર બુક કરેલી તમારી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાઓ, તો વધારાના વળતર સાથે સંપૂર્ણ રિફંડ આપવાનો નિયમ છે.

  • 1 કલાક સુધીના બ્લોક સમયવાળી ફ્લાઇટ્સ માટે - ₹5000 અથવા એકતરફી ભાડું + ઇંધણ શુલ્ક
  • 1-2 કલાકના બ્લોક સમયવાળી ફ્લાઇટ્સ માટે - ₹7500 અથવા એકતરફી ભાડું + ઇંધણ શુલ્ક
  • 2 કલાક સુધીના બ્લોક સમયવાળી ફ્લાઇટ્સ માટે - ₹10000 અથવા એકતરફી ભાડું + ઇંધણ શુલ્ક
ઓવરબુકિંગ માટે

જ્યારે ફ્લાઇટમાં પૂરતી સીટો ન હોય, ત્યારે એરલાઇન 1 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટ આપવી જરૂરી છે. વિલંબ અથવા ઇનકાર થતાં 24 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટ – મૂળ ભાડાનું 200% + ઈંધણ , 24 કલાક પછી – 400% + ઈંધણ, ઇનકાર – ટિકિટનું પૂર્ણ રિફંડ + 400% + ઈંધણ

તમને રિફંડ ક્યારે મળશે?

રોકડ ચુકવણી તાત્કાલિક પરત કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ ચુકવણી 7 દિવસની અંદર પરત કરવામાં આવે છે. જો બુકિંગ ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવ્યું હોય, તો રિફંડ પણ ટ્રાવેલ એજન્ટ દ્વારા આપવામાં આવશે.

રિફંડ કે વળતરનો દાવો કેવી રીતે કરવો?

વળતરનો દાવો કરવા માટે, તમારા બધા દસ્તાવેજો તમારી સાથે રાખો, જેમ કે બોર્ડિંગ પાસ, ટિકિટ, બુકિંગ રેફરન્સ ID, એરલાઇન તરફથી માહિતી રેકોર્ડ અને ખોરાક અને હોટેલ રસીદો. એરલાઇનના ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો. DGCA ના નિયમો અનુસાર, ફરિયાદનો ઉકેલ 30 દિવસમાં લાવવામાં આવશે. જો એરલાઇન તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાનો ઇનકાર કરે છે, તો તમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એર સેવા પોર્ટલ (airsewa.gov.in) પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: મંગળવારે અમદાવાદ સહિતના શહેરોમાં ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ