ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી ચૂકી છે. આ વખતે છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે અને દેશભરના કરોડો કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરી દીધા છે. આ દરમિયાન ઘણા લોકોએ તેમના રિફંડ પહેલાથી જ મેળવી લીધા છે, પરંતુ જો તમે એવા લોકોમાંના એક છો જેમને હજુ સુધી તેમનું ટેક્સ રિફંડ મળ્યું નથી તો ગભરાવાની જરૂર નથી.
રિફંડમાં સમય લાગવાના કેટલાક સામાન્ય કારણો હોઈ શકે છે, જે સમજવું પણ મહત્વપૂર્ણ છે. મોટાભાગના કિસ્સાઓમાં જો તમે રિટર્ન યોગ્ય રીતે ફાઈલ કર્યું હોય અને સમયસર તેની વેરીફાઈ કરી હોય તો રિફંડ 7થી 15 દિવસમાં આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તે એક અઠવાડિયાથી ઓછા સમયમાં પણ મળે છે. પરંતુ જો કોઈ ભૂલ હોય તો કેસ લંબાઈ શકે છે. ચાલો જાણીએ કે રિફંડમાં વિલંબ થવાના સામાન્ય કારણો શું હોય શકે છે.
ખોટી અથવા અધૂરી બેન્કની વિગતો
જો તમે રિટર્ન ફાઈલ કરતી વખતે બેન્ક એકાઉન્ટ નંબર, IFSC કોડ અથવા નામ લખવામાં ભૂલ કરી હોય તો રિફંડ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તેથી હંમેશા ખાતરી કરો કે બેન્કની વિગતો સંપૂર્ણ અને સાચી છે કે નહીં.
રિટર્ન અને ફોર્મ 26AS/AIS વચ્ચેનો તફાવત
જો તમારા દ્વારા ફાઈલ કરવામાં આવેલું રિટર્ન અને આવકવેરા વિભાગ સાથેના ફોર્મ 26AS અથવા AIS (વાર્ષિક માહિતી નિવેદન) વચ્ચે કોઈ વિસંગતતા હોય તો રિટર્ન પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ આવકનો ઉલ્લેખ કર્યો નથી અથવા ખોટી રીતે TDS ક્રેડિટનો દાવો કર્યો છે.
ITR વેરિફિકેશન થયું નથી
રિટર્ન ફાઈલ કરવું પૂરતું નથી, તેની ચકાસણી કરવી પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. ઈ-વેરિફિકેશન વિના, તમારા રિટર્નની પ્રક્રિયા થશે નહીં અને તમને રિફંડ મળશે નહીં.
વિભાગીય તપાસ અથવા સ્ક્રુટની, બાકી ટેક્સનું એડજસ્ટમેન્ટ
કેટલાક કિસ્સાઓમાં આવકવેરા વિભાગને શંકા છે કે રિટર્નમાં મોટી રકમનો દાવો કરવામાં આવ્યો છે અથવા તેમાં કોઈ વિસંગતતા હોય શકે છે. આવા રિટર્ન તપાસ માટે રોકી રાખવામાં આવે છે, જેના કારણે રિફંડમાં વિલંબ થાય છે. આ સાથે જ જો તમારી પાસે અગાઉના કોઈ ટેક્સ બાકી હોય તો નવા રિફંડને તેની સામે એડજસ્ટ કરી શકાય છે. આવા કિસ્સાઓમાં વિભાગ નોટિસ મોકલે છે અને રિફંડ બંધ કરી દેવામાં આવે છે.
જો સમય લાગે તો શું કરવું?
જો તમે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હોય અને તેની ચકાસણી પણ કરી હોય અને હજુ સુધી તમારું રિફંડ ન મળ્યું હોય તો પહેલા આવકવેરા વિભાગની વેબસાઈટ પર લોગ ઈન કરો અને તમારા ITR પ્રોસેસિંગ સ્ટેટસ તપાસો. જો તે પ્રોસેસ થઈ ગયું હોય અને રિફંડ સ્ટેટસ જાહેર થયેલું દેખાઈ રહ્યું હોય તો તમારું બેન્ક સ્ટેટમેન્ટ પણ ચેક કરો. જો તમને કોઈ વિસંગતતા દેખાય તો તમે રિફંડ ફરીથી ચૂકવવા માટે વિનંતી કરી શકો છો. જો તમારા રિફંડમાં 30 દિવસથી વધુ સમય લાગે છે તો તમને આવકવેરા કાયદા હેઠળ વ્યાજ પણ મળી શકે છે. જો કે, આ નિયમ કેટલીક શરતો સાથે લાગુ પડે છે.