ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની 16 સપ્ટેમ્બરની ડેડલાઈનને ઘણા મહિના વીતી ચૂક્યા છે. છતાં, ઘણા ટેક્સપેયર્સને હજુ પણ તેમના ભાગનું રિફંડ નથી મળ્યું. મોટાભાગના ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રિફંડ ચૂકવી દેવાયા છે, પરંતુ લાખો ટેક્સપેયર્સના પૈસા હજુ પણ અટવાયેલા છે. આ વિલંબને કારણે લોકોને વારંવાર સ્ટેટસ અપડેટ્સ તપાસવા અથવા તેમના સબમિશનને ક્રોસ-ચેક કરવા પડે છે. જેનાથી ઘણા લોકો પરેશાન થયા છે.


જાણો કેમ રિફંડમાં થઈ રહ્યો છે વિલંબ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશનના ચેરમેન રવિ અગ્રવાલે નવેમ્બરમાં માહિતી આપી હતી કે વિભાગ કેટલાક રિફંડ ક્લેમનું વિશ્લેષણ કરી રહ્યું છે જેને સિસ્ટમે 'હાઈ વેલ્યૂ' અથવા કેટલાક ડિડક્શન ક્લેમના કારણે 'રેડ ફ્લેગ' કરી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ સમસ્યા હોય, તો તેમણે ટેક્સપેયર્સને 'રિવાઈઝ્ડ રિટર્ન ફાઇલ' કરવાનું સૂચન પણ કર્યું છે.

આવકવેરા વિભાગ ITR ઈ-વેરિફાઈ થયા પછી જ રિફંડની પ્રક્રિયા શરૂ કરે છે. આવકવેરા વિભાગની વેબસાઇટ અનુસાર, આ પગલું પૂર્ણ થયા પછી, રિફંડ સામાન્ય રીતે ચારથી પાંચ અઠવાડિયામાં ખાતામાં જમા થઈ જાય છે. જો તમારા રિફંડમાં વિલંબ થાય છે, તો તેના ચોક્કસ કારણો છે. સૌ પ્રથમ, તમારા રિફંડમાં વિલંબ કેમ થાય છે તે સમજવું મહત્વપૂર્ણ છે.

જો તમારા બેંક ખાતામાં કોઈ ભૂલ હોય, તો તમારા રિફંડમાં વિલંબ થઈ શકે છે. જો તમારો એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ખોટો હોય, તો તે તમારા પૈસા જમા થવામાં સમસ્યા ઊભી કરશે. માટે જ તમારા ખાતાને પ્રી-વેલિડેટ કરી લેવું હિતાવહ છે જેથી પૈસા સીધા ખાતામાં જમા થઈ જાય.

જો તમારું PAN અને આધાર કાર્ડ લિંક ન હોય અથવા નામ-જન્મ તારીખમાં કોઈ વિસંગતતા હોય, તો આ સ્થિતિમાં પણ રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે છે. વધુમાં, જો ફોર્મમાં આપેલી વિગતો ફોર્મ 26AS અથવા AISમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી નથી, તો પણ રિફંડની રકમ અટકી શકે છે.

રિફંડ અટકી જવાનું બીજું એક મોટું કારણ ITRમાં ખોટું ડિડક્શન અથવા ક્રેડિટ ક્લેમ કર્યો હોય. જો તમે તમારી 80C ડિડક્શને વધુ પડતી બતાવી હોય અને આવકવેરા વિભાગને કોઈક રીતે શંકા જાય, તો તમારું રિફંડ રોકી શકે છે. આ સ્થિતિમાં, તમારી પાસેથી સાચા દસ્તાવેજો મળે ત્યાં સુધી પૈસા રોકી રાખવામાં આવશે.

કેવી રીતે રિફંડ સ્ટેટસ ચેક કરવું?

સૌથી પહેલા ઈનકમ ટેક્સ પોર્ટલ eportal.incometax.gov.in/iec/foservices/ ની મુલાકાત લો.

હવે ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર જઈ પોતાના યૂઝર-રજિસ્ટર્ડ ID અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગઈન કરો.

લોગઈન કર્યા પછી ઉપર 'e-File' નામનું ટેબ દેકાશે ેતના પર ક્લિક કરો.

હવે 'Income Tax Returns' અને ત્યારબાદ 'View Filed Returns' પર ક્લિક કરો.

યોગ્ય એસેસમેન્ટ યર સિલેક્ટ કરો અને વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરો.

અહીં તમે ઈચ્છો તે વર્ષનું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો.


  • Follow us on: